સાપુતારાના મનમોહક દ્રશ્યો:વરસાદી માહોલમાં ચારેબાજુ ઝરણાં વહ્યાં, નદી-નાળાં છલકાતાં ચાલકો અધવચ્ચે અટવાયા, દ.ગુજરાતમાં રેડ એલર્ટ

ડાંગ (સાપુતારા)3 મહિનો પહેલા
  • રસ્તા પર ઝરણાં વહેતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
  • હવામાન વિભાગની આગામી 24 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી

ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી પડી રહેલા વરસાદને પગલે સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું છે. વિવિધ માર્ગો પર ભેખડ ધસી પડવાને કારણે રસ્તાઓ બંધ કરી તંત્ર દ્વારા ખુલ્લા કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. હિલસ્ટેશન સાપુતારામાં હાલ વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. જગ્યા-જગ્યાએ રસ્તા પર ઝરણાં વહેતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પોલીસે પ્રવાસીઓને અપીલ કરી છે કે વાહન સંભાળીને ચલાવવું અને બની શકે તો વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવો.

વરસાદ ખાબકતાં ચારેબાજુ ઝરણાં વહી રહ્યાં છે.
વરસાદ ખાબકતાં ચારેબાજુ ઝરણાં વહી રહ્યાં છે.

ડાંગ સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ
હવામાન વિભાગ દ્રારા આગામી 24 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા રેડ ઝોનવાળા વિસ્તારને સજ્જ રહેવા માટે જણાવવામાં આવ્યું છે. આમ આગામી 24 કલાક માટે ડાંગ જિલ્લાના માથે વાદળોનું સંકટ ઘેરાયેલું છે.

વરસાદ પડતાં જ નદી-નાળાંમાં પાણીની આવક થઈ છે.
વરસાદ પડતાં જ નદી-નાળાંમાં પાણીની આવક થઈ છે.

મેઘકહેર સાથે સૌંદર્યનો નજારો
અનાધાર વરસાદને કારણે નદી, નાળાં અને કોતરોમાં વધુ પાણી આવતાં અત્ર-તત્ર -સર્વત્ર પાણી થઈ ગયું છે. મુશળધાર વરસાદને કારણે નાનાં-નાનાં ઝરણાંએ રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું છે અને વહેતા ઝરણાં મનમોહક બની ગયા છે.

ડાંગમાં સુંદર ધોધથી પ્રકૃતિ ખીલી ઊઠી
ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલા ગિરમાળ ધોધમાં અને વાઘઈ ખાતે આવેલ ગિરાધોધમાં પુષ્કળ પાણીની આવક થતાં અફાટ સૌંદર્ય સર્જ્યું હતું. આહવાનગરના બંને છેડે આહવા સાપુતારા રોડ અને આહવા વઘઈ રોડ પર આવેલા ધોધ પણ મન મૂકીને વહી રહ્યા છે.

ઝરણા સાથે તસવીરો ખેંચતા સહેલાણીઓ.
ઝરણા સાથે તસવીરો ખેંચતા સહેલાણીઓ.

બીજી બાજુ, વરસાદ ખાબકતાં સાપુતારામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. સહેલાણીઓ આ દૃશ્યો જોવા દૂર-દૂરથી સાપુતારા પહોંચી રહ્યા છે. કેટલીક જગ્યાએ પ્રવાસીઓ તકલીફમાં મુકાયા એવી પણ ઘટનાઓ જોવા મળી રહી છે.

સાપુતારામાં કુદરતી માહોલ જોવા જેવો બન્યો છે.
સાપુતારામાં કુદરતી માહોલ જોવા જેવો બન્યો છે.

ભારે વરસાદને વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અપીલ
વઘઈથી સાપુતારા જતા વાહનચાલકોએ બારીપાડા-માનમોડી-સુરગાણા-હાથગઢ થઈને સાપુતારા જવા, તથા નાસિકથી વઘઈ તરફ આવતા વાહનચાલકોને હાથગઢ-સુરગાણા-માનમોડી-બારીપાડા-વઘઈ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે વરસાદને કારણે સાપુતારા ઘાટ માર્ગમા માટી, પથ્થરો, વૃક્ષો વગેરે ધરાશાયી થતાં આ માર્ગને પુનઃપૂર્વવત કરવા માટે જિલ્લા વહીવટી તંત્રના લશ્કરો કામે લાગ્યા છે. ત્યાં સુધી કોઈ વાહનચાલકો મુશ્કેલીમાં ન મુકાઈ એ માટે ઉક્ત સૂચવેલા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...