વઘઇ તાલુકાના ભેડમાળ નાનાપાડા રોડ પર ધરાપાડાના યુવાનોની મોપેડ સ્લીપ મારી જતા બાઈક પર સવાર બે યુવાન પૈકી એકનું મોત થયું હતું. જ્યારે એક સારવાર હેઠળ દાખલ કરાયો છે. ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ધરાપાડા ગામના બે યુવક સુરજ પાંડુભાઈ દોડકા (ઉ.વ.19) અને દિવ્યેશ રમેશભાઈ ભોયે ગતરોજ તેમની ડેસ્ટીની મોપેડ (નં. જીજે-30-સી-8578) પર સવાર થઈ લગ્ન પ્રસંગના માંડવામાં ભેડમાળ ગામે નાચવા ગયા હતા.
માંડવામાં નાચ્યા બાદ રાતના 1 વાગ્યે તેઓ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ભેડમાળ નાનાપાડા રોડ પર તેમની મોપેડ સ્લીપ થઈ જતા બન્ને યુવાન મોપેડ પરથી રોડ પર ફેંકાઈ ગયા હતા. જેમાં મોપેડ ચલાવતા સુરજને માથાના ભાગે તેમજ પાછળ બેસેલા દિવ્યેશને શરીરે ઇજાઓ થતાં તેઓને પ્રથમ સાકરપાતળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા બાદ વધુ સારવાર માટે વઘઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા.
જ્યાં સુરજનું ગંભીર ઇજાને પગલે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તેના મૃત્યુથી પરિવારમાં મોતની કાલિમા છવાઇ ગઇ હતી. પરિવારમાં એકના એક દીકરાનું મોત થતા પંથકમાં અરેરાટી મચી ગઈ હતી. બનાવ અંગે સુરજના પિતાએ વઘઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.