ફરિયાદ:તું ડાકણ છે તારા પતિને તું જ ખાઇ ગઇ કહી પત્નીને માર મરાયો

આહવા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર મારનાર સાસુ સહિત 3 સામે ફરિયાદ દાખલ

આહવા તાલુકાના કોટબા ગામે દારૂ પીવાની લતવાળા પતિનું મૃત્યુ થતા પત્નીને તું ડાકણ છે તારા પતિને તું જ ખાઈ ગઈનું જણાવી સાસુ, દિયર તેમજ અન્ય એક શખસે તેણીને માર મારતા સારવાર અર્થે દાખલ કરાઈ છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના પિપલઘોડી ગામના જશોદાબેન કલ્પેશભાઈ ભોયે (ઉ.વ. 23)ના લગ્ન આહવા તાલુકાના કોટબા ગામે કલ્પેશભાઈ ભોયે સાથે થયા હતા. જેમને સંતાનમાં એક દીકરી તેમજ એક દીકરો છે.

તેમના પતિ કલ્પેશભાઈને દારૂ પીવાની ટેવ હોય તેઓ અવારનવાર બીમાર રહેતા હતા. તેઓ જશોદાબેનને ગાળો આપી તેની સાથે મારઝૂડ કરતા હતા. પતિથી કંટાળી તેઓ તેના પિતાના ઘરે પિપલઘોડી રહેવા માટે ગયા હતા. આ દરમિયાન તેમના પતિની તબિયત બગડતાં તેમને સાસરિયાઓએ ફોન કરીને જણાવ્યું હતું કે તારા પતિની તબિયત બગડી છે, જેના દસેક મિનિટ બાદ ફરીથી ફોન કરી જણાવ્યું હતું કે તારા પતિનું મૃત્યુ થઈ ગયું છે.

જેને જોવા માટે પરિણીતા કોટબા ગામે ગઈ હતી. જ્યાં તેની સાસુએ તેના પતિ પાસે જવા દીધી ન હતી તેમજ તું ડાકણ છે તારા પતિને ખાઈ ગઈનું જણાવી પતિના અંતિમ દર્શન પણ કરવા દીધા ન હતા. જે બાદ પરિણીતા ગામની અન્ય મહિલાઓ સાથે તેના પતિની અંતિમયાત્રામાં ગઈ હતી.

જ્યાં સાસુ મીરાબેન, દિયર અજય, સાસુનો ભાઈ અશોક આનંદ તેને ઢીકમુક્કીનો માર માર્યો હતો, જે બાદ પરિણીતા બેહોશ થઈ જતા તેને 108માં આહવાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બનાવ અંગેની ફરિયાદ આહવા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં અંધશ્રધ્ધાને લગતી બાબતો પર તંત્ર દ્વારા કોઇ ઠોસ કદમ ઉઠાવાયો નથી. હવે જ્યારે ડાકણ જેવા શબ્દનો ઉપયોગ કરાઇ રહ્યો છે ત્યારે તંત્ર પણ કાયદાકીય કાર્યવાહી કરે તેવી માગ પણ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...