અમી છાંટણા:ડાંગમાં સાર્વત્રિક વરસાદ : ગિરિમથક સાપુતારામાં વીજળીના કડાકા ભડાકા સાથે 4 ઇંચથી વધુ ઝીંકાયો

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડાંગ અને નવસારી િજલ્લામાં ગણેશોત્સવ શરૂ થવાની સાથે જ મેઘરાજાએ પણ પોતાની હાજરી પુરાવતા ઠંડક પ્રસરી
  • સાપુતારા​​​​​​​ ઘાટ માર્ગમાં ભેખડો ધસી પડવાના અને આહવા માર્ગમાં વૃક્ષો ધરાશાયી થવાના બનાવ બન્યા

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, વઘઇ, સાપુતારા સહિત સુબીર પંથકમાં ગતરોજ મોડી રાત્રિનાં અરસામાં વીજળીનાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી. સાપુતારા પંથકમાં મોડી રાત્રિએ 4 ઈંચ જેટલો વરસાદ તૂટી પડતા અંબિકા નદી ગાંડીતુર બની હતી.

ધોધમાર વરસાદનાં પગલે સાપુતારા ઘાટમાર્ગમાં ભેખડો ધસી પડતા આ માર્ગ વાહનચાલકો માટે ફરી જોખમી બની ગયો છે. ડાંગનાં શામગહાનથી આહવાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં પણ ઠેરઠેર વૃક્ષો ધરાશાયી થઈ પડી જતા માર્ગ બંધ થયો હતો. જોકે વન વિભાગની ટીમે આ વૃક્ષોને કાપીને હટાવી દેતા માર્ગ પૂર્વવત થયો હતો. ડાંગ જિલ્લાનાં વઘઇ પંથકનાં ગામડાઓમાં મધ્યમ વરસાદ નોંધાયો હતો. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા પંથકમાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ તૂટી પડતા જંગલ વિસ્તારનાં વહેળા, ઝરણાઓમાં પાણીનાં વહેણ તેજ બન્યાં હતા.

ડાંગમાં 24 કલાકમાં નોંધાયેલો વરસાદ
ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યાનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન વઘઇમાં 18 મિમી, આહવામાં 31 મિમી (1.24 ઈંચ), સુબીરમાં 38 મિમી (1.52 ઈંચ) જ્યારે સૌથી વધુ ગિરિમથક સાપુતારામાં 106 મિમી (4.24 ઈંચ) વરસાદ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...