પાણી માટે વલખાં:પાયરઘોડી, બોરખલ વિસ્તારમાં 10 દિવસથી પાણી માટે ગ્રામજનોને વલખાં

આહવા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડાંગ જિલ્લામાં મોબાઈલ અને ઇન્ટરનેટની સુવિધા માટે કેબલ નાંખવાની કામગીરી શરૂ કરાતા ખોદકામ કરાઈ રહ્યું છે

બોરખલ ગામે ફાઇબર કેબલ માટે ખાડો ખોદતી એજન્સીએ પાણીની પાઇપલાઇન તોડી નાંખતા 10 દિવસથી વિકટ પાણીની સમસ્યા સર્જાઈ છે. ડાંગ જિલ્લામાં ગામેગામ લોકોને મોબાઇલ, ઇન્ટરનેટ ની સુવિધા ઝડપથી મળી રહે તે માટે મોબાઈલ નેટવર્ક કંપની દ્વારા એજન્સીને કામ આપી ફાઇબર કેબલ નાંખવાની કામગીરી ચાલી રહી છે. જેમાં એજન્સી દ્વારા રસ્તાની સાઈડે ઉડા ખાડા ખોદાઈ રહ્યાં છે.

સ્ટેટ હાઇવે હોય કે નેશનલ હાઈવે કે પછી ગામડાના સાંકડા રસ્તાઓ પર ખાડામાંથી નીકળતી માટીનો થર રસ્તા પર પાથરી દેતા આ રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકોએ વિકટ સમસ્યાનો સામનો કરવા પડે છે. અડધો રસ્તો કાદવ માટી નીચે દબાઈ જવાના લીધે અકસ્માતના બનાવો પણ બન્યા છે. રસ્તાની સાઈડમાંથી ગ્રામ્ય વિસ્તારોમાં ગામડાને પાણી પૂરું પાડતી પાઇપલાઇન પસાર થયા છે જે પણ તૂટી જવાના અનેક બનાવો બન્યા છે.

આહવા તાલુકાના આહવા નગરથી સાપુતારા રોડ પર 10 કિ.મી.ના અંતરે આવેલા બોરખલ ગામે આ એજન્સી દ્વારા 10 દિવસ અગાઉ કેબલ લાઈન નાંખવા માટે ખાડો ખોદવાનું કામ હાથ ધરાયું હતું. જે દરમિયાન પાયરઘોડી, બોરખલની શાળા-હોસ્ટેલ તેમજ લોકોને પાણી પૂરું પાડતી પાઇપલાઇન આ એજન્સીએ તોડી નાંખી હતી.

એજન્સી દ્વારા સાંજ સુધીમાં પાઇપલાઇન રિપેરીંગ કરી આપવાની હૈયા ધરપત આપી હતી, જે કેબલ નંખાઈ ગયા બાદ પણ રિપેર કર્યા વગર જ એજન્સીએ ખાડો પૂરી દેતા પાયરઘોડી, બોરખલ વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી પાણી માટે હોસ્ટેલના બાળકો પ્રાથમિક, માધ્યમિક શાળાના બાળકો તેમજ ગ્રામજનો વલખાં મારી રહ્યાં છે. આ એજન્સી સામે વહીવટી તંત્ર પગલાં ભરે તે જરૂરી છે. આ અંગેની જાણ આહવા પાણી પુરવઠા વિભાગને કરાતા એજન્સીને નોટિસ આપી સત્વરે પાઇપ લાઇન ચાલુ થઈ જશે એવું જણાવ્યું હતું.

પાઈપલાઈન રિપેર કર્યા વગર ખાડો પૂરી દીધો
હું પાયરઘોડી, બોરખલ ગામોને પાણી આપવાનું કામ કરું છું. 10 દિવસ અગાઉ કેબલ કંપનીએ ખાડો ખોદતા તેમાં અમારા જૂથની પાઇપલાઇન તૂટી ગઈ છે. જેના માટે અમે એજન્સીને કહેતા એજન્સી એ સાંજ સુધીમાં પાઇપલાઇન રિપેર કરવાની વાત કરી હતી પરંતુ તેમનું કામ પૂરું થઈ જતા પાઇપલાઇન રિપેર કર્યા વગર જ રસ્તો ખાડો પુરી દીધો છે અને છેલ્લા દસ દિવસથી હોસ્ટેલ, શાળાઓ તેમજ ગામોમાં પાણીની સમસ્યા સર્જાઇ છે. -મહેશ રાઉત (વાલમેન)

અન્ય સમાચારો પણ છે...