ઓલ ઈન્ડિયા ડેમોક્રેટિક યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા તા.24/12/2022 થી 9/01/2023 દરમિયાન ઉલગુલાન ચળવળની યાદમાં ગામડે ગામડે બીરસા મુંડા શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.
ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના કાંગર્યામાળ ગામે તા.8/01/2023ના રોજ બીરસા મુંડા શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય વક્તા તપનભાઈ એ જણાવ્યું હતું કે, મહાન સમાજ સુધારકો, આઝાદી સંગ્રામના લડવૈયા રાજા રામમોહનરાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, મહાત્મા ફુલે, નેતાજી સુભાષચંદ્ર બોઝ, શહીદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, આદિવાસી ક્રાંતિકારીઓ તિલકા માંઝી, સિધો કાનુ, બિરસા મુંડા વગેરેના જન્મદિવસ અને શહિદ દિવસની ઉજવણી કરી તેમના વિચારોને યુવા પેઢી સુધી લઈ જવા આજની જરૂરિયાત છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બ્રિટીશ સામ્રાજ્યવાદના સમયે આદિવાસીઓએ જળ-જંગલ, જમીનને બચાવવા જમીનદારો, ઠેકેદારોની સામે બળવો કર્યો હતો. તેઓના જુલ્મી શાસન અને અમાનુષી અત્યાચાર સામે આદિવાસીઓએ અસંખ્ય આંદોલનો કર્યા હતા. જેમાં હજારોની સંખ્યામાં શહિદ થયા હતા. જુલ્મી શાસન સામેના વિદ્રોહમાં ચુઆડ વિદ્રોહ સન 1769-1799, ભુમીજ વિદ્રોહ 1831-1833, કોલ વિદ્રોહ 1831, સંથાલ વિદ્રોહ 1855-1856 અને 1858થી લઇને 1889 સુધી ત્રણ દાયકા સુધી આદિવાસીઓ લડતા રહ્યાં હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રઘુનાથ બાગુલ એ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.