ડાંગ જિલ્લાના આહવા તાલુકાની રાવચોંડ પ્રાથમિક શાળાનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં આહવા તાલુકાની રાવચોંડ પ્રા. શાળામાં શિક્ષકો દ્વારા નાના બાળકો પાસે સાફ સફાઇ બહાને મજુરી કરાવતા હોવાની ચર્ચા ઉઠી છે.
કસૂરવાર સામે પગલાં લેવા માગ
પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે આવતા નાના બાળકો પાસે લોખંડની ભારે ટ્રોલીમાં રેતી અને ઈંટોના ટુકડા સહિત અન્ય સામાનની હેરાફેરી કરાવવામાં આવતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. ગામના એક યુવાને વીડિયો બનાવી શાળાના શિક્ષિકાને સવાલ કરતાં શિક્ષિકાએ ઉડાઉ જવાબ આપ્યો હતો. બાળકોને આ અંગે પૂછતાં તેઓએ સાહેબે કામ કરવાનું જણાવ્યું છે એવું કહ્યું હતું. વાઇરલ વીડિયોમાં આ રીતે નાના ભૂલકાંઓને માથે રેતી ભરેલા તગારા ઊંચકાવીને કામ કરાવતા જોઈ જિલ્લાભરમાં શાળા સંચાલકો ઉપર લોકોમાં રોષ જોવા મળ્યો છે. કસૂરવાર સામે પગલાં લેવા માગ ઉઠી છે.
પ્રભારી મંત્રીએ સંકલનમાં ફરિયાદ કરવા જણાવ્યું
ડાંગ જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે, વાઇરલ વીડિયો અંગે મને ખાસ ખબર નથી. પરંતુ બાળકો પાસે રેતી ભરેલા તગારા ઊંચકાવવામાં આવતા હોય તો તે ખોટું છે. ડાંગ જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન મિટિંગમાં આ મુદ્દે ચર્ચા કરી નિરાકરણ લાવીશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.