ગુજરાત સરકારની 20 વર્ષની વિકાસયાત્રાને જન-જન સુધી પહોંચાડવાના ઉદેશ્ય સાથે રાજ્યભરમાં ‘વંદે ગુજરાત 20 વર્ષનો સાથ, 20 વર્ષનો વિશ્વાસ’ વિષયક પ્રદર્શન કમ મેળાનું આયોજન થઈ રહ્યું છે. જે અંતર્ગત ડાંગ જિલ્લામાં પણ આગામી 15થી 21 જૂન, 2022 દરમિયાન આહવામાં યોજાનાર પ્રદર્શન કમ મેળાની આયોજન વ્યવસ્થા સંદર્ભે જરૂરી વિચારણા હેતુ એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી.
ડાંગ કલેકટર ભાવિન પંડયા તથા જિલ્લા વિકાસ અધિકારી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઇન્ચાર્જ નિયામક કે. જે. ભગોરાએ કાર્યક્રમ આયોજન અંગેની વિગતો રજુ કરી હતી. ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવામાં ડાંગ સેવા મંડળ ના પરિસરમાં યોજાનારા આ સામૂહિક પ્રદર્શન- કમ- મેળામાં જુદા જુદા જુથો દ્વારા જુદા જુદા પ્રકારની ચીજવસ્તુઓનું વેચાણ અને પ્રદર્શન પણ કરાશે.
સાથે રાજ્ય કક્ષાએથી ‘વંદે ગુજરાત 20 વર્ષનો સાથ 20 વર્ષનો વિશ્વાસ’ વિષયક અદ્યતન પ્રદર્શન અને સ્થાનિક જિલ્લા પ્રશાસન દ્વારા દરરોજ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ રજૂઆત કરાશે. રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લાના આ પ્રદર્શન મેળાનું ઉદ્ઘાટન/સમારંભ કાર્યક્રમ નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી જીતુભાઈ ચૌધરીના હસ્તે કરાશે.
બેઠકમાં મેળાના સ્થળની પસંદગી સહિત આનુંષગિક વ્યવસ્થાઓ સંદર્ભે પુરી માર્ગદર્શન આપતા કલેકટર ભાવિન પંડ્યા અહીં ઊભા થનાર વેચાણ-પ્રદર્શન સંબંધિત વ્યવસ્થાઓમાં અંકસૂત્રતા જળવાઈ રહે તેનો ખ્યાલ આપ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.