સાપુતારા સહિત પૂર્વપટ્ટી વિસ્તારોમાં સતત બીજા દિવસે પણ ગાજવીજ સાથે માવઠું તૂટી પડતા શિયાળુ પાકમાં વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને નુકસાની વેઠવાની નોબત ઉભી થવા પામી છે. જ્યારે ગિરિમથક સાપુતારા ખાતે આહલાદક વાતાવરણ ઊભું થતા પ્રવાસીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.
મળતી માહિતી મુજબ, છેલ્લા બે દિવસ બદલાયેલા વાતાવરણ વચ્ચે સતત બીજા દિવસે પણ ડાંગ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ બાદ સાંજે આહવા, સાપુતારા સહિત પૂર્વપટ્ટીના છુટાછવાયા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમૌસમી વરસાદ તૂટી પડતા જગતનો તાત ચિંતામગ્ન બની ગયો હતો. ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે પણ કમૌસમી વરસાદને પગલે ઘઉં, ચણા, સ્ટ્રોબેરી, ડુંગળી, શાકભાજીમાં વ્યાપક નુકશાની થવાની ભીતિ સેવાઇ રહી છે.
ગિરિમથક સાપુતારા ખાતે અમી છાંટણા થતા ગિરી કંદરા સોળે કળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા હતા. સતત બે દિવસથી બદલાયેલા મૌસમથી જિલ્લામાં વાયરલ ફીવર, શરદી ,ખાંસીના કેસોમાં વધારો થવા સાથે પીએચસી, સીએચસી, અને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓમાં ધસારો જોવા મળ્યો હતો. સાપુતારા ખાતે વરસાદી ઝાપટું પડ્યા બાદ ગિરી કંદરામાં મેઘધનુષનો રંગ પથરાતાં નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.