હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર રાજ્યભરમાં વરસાદી કહેર યથાવત રહ્યો છે. ત્યારે રાજ્યના છેવાડા ડાંગ જિલ્લામાં પણ સતત ચોથા દિવસે પણ ઠેર-ઠેર બરફ વર્ષા અને માવઠાને પગલે ગરીબ આદિવાસી ખેડૂતોને કુદરતે કોળિયો ઝુંટવી લઈ કારમી પરીક્ષા કરી હોય તેવું જણાય રહ્યું છે.
ડાંગ જિલ્લા કુદરતી સૌદર્યથી ભરપુર છે, પરંતુ સતત ચોથા દિવસે પણ કમોસમી વરસાદ સાથે બરફ વર્ષાને પગલે ગરીબ આદિવાસી ખેડૂતોએ મહામહેનતે પકવેલા ઘઉં, તુવેર, ચણા, સહિત શાકભાજી તેમજ આંબાવાડીમાં લચી પડેલા આમ્ર મંજરી તહસ નહસ થઈ જતાં ખેડૂતોનો કોળિયો ઝુંટવાયો હતો. ડાંગ જિલ્લામાં વઘઈ, મહાલ, આહવા, સુબીર, ડોન સહિત ગિરીમથક સાપુતારા ખાતે ચારેય બાજુ પર્વતમાળાઓ બરફથી ઢંકાઈ જતા કુલુ મનાલી જેવા દૃશ્યો સર્જાયા હતા. ડાંગ જિલ્લામાં સતત ચોથા દિવસે કમોસમી વરસાદ અને બરફ વર્ષાને પગલે આદિવાસી પરિવારોના કાચા નલિયા અને સિમેન્ટ પતરાના ઘરોને વ્યાપક નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
આહવાથી મહાલ જતા માર્ગ ઉપર ભેખડો ધસી પડવાની ઘટના જોવા મળી હતી. જોકે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તુરંત કામે લાગી માર્ગ પૂર્વવત કર્યો હતો. જિલ્લાભરમાં કમોસમી વરસાદ અને બરફ વર્ષાને પગલે ઠંડીનો પારો ગગડી જતાં લોકો ઘરમાં જ પુરાઈ રહ્યાં હતા. જ્યારે બાળકો અને યુવાઓએ પર્વત માળાઓ પર પથરાયેલા બરફની ચાદરથી નયનરમ્ય દૃશ્યોને મનભરી મોજ માણી હતી. સતત ચોથા દિવસે કમોસમી વરસાદને પગલે ચોમાસાનો માહોલ જામ્યો હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. બેવડી ઋતુની અસમંજસ સાથે શરદી-ખાંશીના દર્દીઓમાં પણ વધારો જોવા મળ્યો હતો. સમગ્ર ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ અને બરફ વર્ષાને પગલે જનજીવન પર માઠી અસર થઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.