ડાંગના વઘઇ તાલુકાનાં દગડપાડા ગામનાં બે એન્જિનિયર યુવકોએ બ્રાહ્મણ વિધિના લગ્નને તિલાજંલી આપી આદિવાસી સંસ્કૃતિ પરંપરાની સાથે પ્રકૃતિ પૂજા વિધિમાં લગ્ન કરી નવી પહેલ કરી છે. આજનાં આધુનિક યુગમાં ડાંગ જિલ્લાનો આદિવાસી યુવાવર્ગ વડલાઓની સંસ્કૃતિ પરંપરા અનુસાર લગ્નો ઉત્સવ મનાવવાનાં રીતિ રિવાજોને ભૂલી ગયા છે. આજનાં યુગમાં લગ્નો ઉત્સવમાં બ્રાહ્મણ વિધિ અને ડી.જેનાં તાલ સાથે મનાવાય છે. આદિવાસી અસ્મિતા અને અસ્તિત્વને જાળવી રાખવા તથા સંસ્કૃતિ પરંપરાનું જતન થાય અને ખોટા ખર્ચમાં નહીં પડાય અને લગ્નમાં ડીજેની જગ્યાએ આદિવાસી વાજિંત્રોમાં કહાળીયા માદળથી થાય તેવો વિચાર વઘઇનાં ગોમજુભાઈ ચવધરીએ દગડપાડા ગામનાં પોલીસ પટેલ અને કારભારી સમક્ષ મુક્યો હતો.
જેમાં આ પ્રસ્તાવ વર-વધુનાં માતા પિતા સમક્ષ પણ મુકાયો અને પ્રકૃતિપૂજા સાથે લગ્ન ઉત્સવનો પ્રસ્તાવ તેઓએ સ્વીકારી લીધો હતો. વઘઇ તાલુકાનાં દગડપાડા ગામનાં બે એન્જિનિયર યુવકમાં સંદિપકુમાર અને કાશીરામભાઈ તથા સુબીર તાલુકાનાં કાકડવિહીર ગામની યુવતી તથા મહારાષ્ટ્રનાં સુરગાણા નજીકની સારણેઆવન ગામની યુવતી આ બન્ને જોડાએ દગડપાડા ગામે હોમ-હવન અને યજ્ઞ તેમજ બ્રાહ્મણ વગર આદિવાસી સંસ્કૃતિ પરંપરામાં પ્રકૃતિની પૂજામાં લગ્ન ઉત્સવને સંપન્ન કરી એક તાંતણે બંધાયા હતા.
ડાંગના દગડપાડા ગામે પ્રથમ વખત આદિવાસી બે એન્જિનિયર યુવકે પ્રકૃતિ આધારીત લગ્ન ઉત્સવ યોજી આદિવાસી જનનાયકોમાં બિરસામુંડા, જ્યોતીબા ફુલે,સાવિત્રીબાઈ ફુલે, ડો. આંબેડકરનાં ફોટાને શણગારી લગ્ન મહોત્સવનું આયોજન કરતા આ નવી પહેલને સૌ કોઈએ બિરદાવી હતી. ડાંગ જિલ્લામાં પ્રથમ વખત બે યુવક-યુવતીઓનાં જોડાઓએ લકઝરીયસ લગ્નોને તિલાજંલી આપી પ્રકૃતિ પૂજા સાથે પ્રભુતામાં પગલા માંડતા આદિવાસી સમાજને ઉત્તમ દૃષ્ટાંત પુરૂ પાડ્યું હતું. .
લગ્ન મંડપ વિવિધ ફૂલોથી શણગારાયો
લગ્ન ઉત્સવમાં જાજરમાન મંડપની જગ્યાએ પ્રકૃતિને વરેલા આંબાનાં પાન, જાંબુડો, આસોપાલવ, આંકડાનાં ફૂલ,ચંપાનાં ફૂલ તથા ગલગોટાનાં ફૂલથી શણગારી સાદગીથી ઉભો કરાયો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.