ફરિયાદ:ગિરિમથક સાપુતારામાં ડુક્કરો પકડવાના ધંધા મુદ્દે બે જૂથ બાખડ્યાં, 8 સામે ફરિયાદ

આહવા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડુક્કરો પકડી પરત થતી વેળા શામગહાન પહોંચતા તેમને અટકાવી દંડાવાળી કરાઇ

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારામાં ડુક્કરો પકડવાનાં ધંધા બાબતે બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી સાથે દંડાવાળી થતા સાપુતારા પોલીસે 8 સામે ગુનો દાખલ કર્યો છે.વાંસદામાં રહેતા સંજયભાઈ હીરામણભાઈ ઠોમરેએ તેઓની માલિકીનાં ડુક્કરો નંગ-40ને વાંસદા શહેરમાંથી પકડીને વાહનમાં ભરી સાપુતારામાં ગંદકી સાફ કરવા માટે છોડ્યા હતા. આ 40 છોડેલા ડુક્કરોની ઓળખ થાય તે માટે તેઓએ કાનમાં નિશાન પણ પાડેલું હતું. આ ડુક્કરોને સાપુતારામાં છોડ્યા બાદ રોજ જોવા પણ આવતા હતા.

વાંસદાનાં ડુક્કરોનાં માલિક દ્વારા ગિરિમથક સાપુતારામાં ડુક્કરો છોડ્યા બાદ તેમાંથી પાંચેક દિવસ પછી પાંચ-છ ડુક્કર જોવા મળ્યા ન હતા અને જાણવા મળેલું કે સાપુતારામાંથી કોઈક અજાણ્યા શખસો તેમના ડુક્કરોને લઈ જતા હતા. સાપુતારા નોટિફાઈડ એરીયાનાં ચીફ ઓફિસરે આ ડુક્કરોનાં માલિકને શોધી જણાવ્યું હતું કે તમારા ડુક્કરો સાપુતારામાં આવેલ બાગ બગીચામાં નુકસાન કરી રહ્યાં છે.જેથી પકડીને લઈ જવાની સૂચના આપી હતી.

સાપુતારા નોટિફાઈડ એરીયા કચેરીનાં ચીફ ઓફિસરનાં સૂચનાનું પાલન સાથે ગતરોજ ડુક્કરનાં માલિકો સંજયભાઈ ઠોમરે, યુવરાજભાઈ ઠોમરે, સાગરભાઈ ઠોમરે તથા અશ્વિનભાઈ ઠોમરે, ગોરખભાઈ ઠોમરે, અંકુશભાઈ ઠોમરે વાંસદાથી રિક્ષા (નં. જીજે-15-એયુ-7232) તથા બાઈક પર સવાર થઈ વાંસદાથી સાપુતારા આવ્યા હતા અને છોડેલ ડુક્કરોને પકડવાની કામગીરી હાથ ધરી હતી. ડુક્કરોને પકડી શામગહાન આવ્યા હતા. દરમિયાન ઇનોવા કાર (નં. એમએચ-15-એફબી-2779)માં સવાર આઠ શખસે તેમને ઉભા રાખી દંડાવાળી કરી હતી.

​​​​​​​શામગહાનમાં અજાણ્યા શખસોએ વાંસદાનાં ડુક્કરો પકડવાવાળા પર જીવલેણ હુમલો કરતા વાતાવરણ ગરમાયું હતું. આ બનાવની જાણ સાપુતારાના પીએસઆઈ એમ.એલ ડામોરને થતા તેઓની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બીચકેલા મામલાને શાંત પાડી વાંસદાનાં ડુક્કરો પકડવાવાળાને મારથી બચાવ્યા હતા. હાલમાં સાપુતારા પોલીસે વાંસદાનાં ડુક્કરોનાં માલિક સંજયભાઈ ઠોમરેની ફરિયાદનાં આધારે મારામારી અને દંડાવાળી કરનાર બાળાસાહેબ ઠોમરે, લક્ષ્મણ ઠોમરે, સંતોષ ઠોમરે, હરીશચંદ્ર ઠોમરે, ગંગુબાઈ ઠોમરે, વિમલબાઈ ઠોમરે, રેખાબેન ઠોમરે, નિવૃત્તિભાઈ પીઠે વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...