અકસ્માત:સાપુતારા ઘાટમાર્ગમાં જુદા જુદા સ્થળોએ બે અકસ્માત સર્જાયા

આહવા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેરી ભરેલી ટ્રક અને ઝીંગા ભરેલ કન્ટેનર પલટી , કેરીની સ્થાનિકોએ લૂટ ચલાવી

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં એક સ્થળે કેરીનો જથ્થો ભરેલ ટ્રક ખીણમાં ખાબકી પલટી મારી ગઈ હતી. જ્યારે બીજા બનાવમાં ઝીંગાનો જથ્થો ભરેલ કન્ટેનર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ કર્ણાટકથી કેરીનો જથ્થો ભરી બરોડા તરફ જઈ રહેલ ટ્રક નં.કેએ.40.એ.0887 જે સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ ટ્રક બેકાબુ બની ઊંડી ખીણમાં ખાબકી પલટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં ટ્રકનો ખુરદો બોલાઈ જતા જંગી નુકસાન થયુ હતુ. જ્યારે કેરીનો જથ્થો ખીણમાં વેરવિખેર થઈ જતા સ્થાનિકોએ કેરીની લૂંટ ચલાવી હતીની વિગતો સાંપડેલ છે.

આ અકસ્માતનાં બનાવમાં ચાલક અને ક્લીનરને નાની મોટી ઇજાઓ પોહચતા તેઓને તાત્કાલિક સારવારનાં અર્થે નજીકની શામગહાન સી.એચ.સી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. જ્યારે બીજા બનાવમાં સાપુતારા ઘાટમાર્ગમાં જ ઝીંગા ભરેલ કન્ટેનર પલટી મારી જતા ઘટના સ્થળે અકસ્માત સર્જાયો હતો. આજરોજ આંધ્રપ્રદેશથી ખાદ્ય ઝીંગાનો જથ્થો ભરી ઓલપાડ તરફ જઈ રહેલ કન્ટેનર ન.એ.પી.16.ટી.એચ.2178 જે પણ સાપુતારા ઘાટમાર્ગમાં પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં કન્ટેનર સહીત ઝીંગાનાં જથ્થાને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે. આ બન્ને બનાવ સંદર્ભે સાપુતારા પોલીસની ટીમે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...