દેશભક્તિ:ડાંગ જિલ્લાના તમામ 311 જેટલા ગામના ઘરો ઉપર લહેરાશે તિરંગો

આહવા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 9થી 11 ઓગસ્ટ 70 ગ્રા. પં.માં રથથી દેશભક્તિના ગીત-સંગીતની સુરાવલી

દેશ આખો આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના રંગે રંગાયો છે. જન જનમા આઝાદીના આ અમૃત મહોત્સવની ઉજવણીનો થનગણાટ વ્યાપી ચુક્યો છે,અને તેમાયે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘હર ઘર તિરંગા’ અભિયાનને વ્યાપક લોક આવકાર સાંપડી રહ્યો છે ત્યારે ડાંગ જિલ્લાના તમામે તમામ 311 ગામના પ્રત્યેક ઘર ઉપર પણ તિરંગો લહેરાઈ તેવું આયોજન જિલ્લા વહીવટી તંત્રે હાથ ધર્યું છે. ડાંગ જિલ્લામા છેલ્લા બે બે દાયકાથી શિક્ષણ સાથે સંસ્કારબીજનુ વાવેતર કરી રહેલા પ્રયોશા પ્રતિષ્ઠાનના સહયોગથી જિલ્લામાં આગામી 9થી 11 ઓગસ્ટ દરમિયાન જિલ્લાની તમામે તમામ 70 ગ્રામ પંચાયતોમા સમાવિષ્ટ 311 ગામોના પરિવારજનો તેમના ઘર ઉપર તિરંગો લહેરાવી શકે તે માટે તેમને 50 હજારથી વધુ રાષ્ટ્રધ્વજનું વિનામૂલ્યે વિતરણ કરવાનુ આયોજન ઘડી કાઢવામા આવ્યુ છે. પ્રયોશા પ્રતિષ્ઠાનના સ્થાપક-સંચાલક પી.પી.સ્વામીના જણાવ્યાનુસાર 9થી 11 ઓગસ્ટ દરમિયાન જિલ્લામા બે જેટલા શણગારેલા રથના માધ્યમથી, દેશભક્તિના ગીતસંગીતની સુરાવલીઓ વચ્ચે તમામે તમામ ગ્રામ પંચાયતો સુધી રાષ્ટ્રધ્વજ પહોંચાડવામા આવશે. શિસ્તબદ્ધ સ્વયંસેવકો ભારતની આન, બાન અને શાન સાથે રાષ્ટ્રધ્વજની આચાર સંહિતાનુ મહાત્મ્ય સમજાવી, ભારતમાતા-રાષ્ટ્રમાતાના પૂજન સાથે ધ્વજનુ વિતરણ કરશે. આ વેળા સમાજ શ્રેષ્ઠીઓ વિશેષ હાજરી આપશે. સંભવત: ડાંગ જિલ્લાના પ્રત્યેક ઘરો ઉપર લહેરાતો તિરંગો 100 ટકા ઘરો ઉપર લહેરાઈને દેશભરમા પ્રથમ સ્થાન હાંસલ કરે તેવા અનોખા માહોલનુ સર્જન થઇ રહ્યુ છે. આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત યોજાઈ રહેલા આ દેશભક્તિના કાર્યક્રમ સાથે 13થી 15 ઓગસ્ટ દરમિયાન જિલ્લાના આહવા, વઘઈ અને ગિરિમથક સાપુતારામાં ઢળતી સંધ્યાએ ‘મશાલ રેલી’નું પણ આયોજન કરાયું છે. જેમા દેશભક્તિના ગીત, સંગીત સાથે મોટી સંખ્યામા યુવક/યુવતીઓ જોડાશે. આ ઉપરાંત જિલ્લાના ગામેગામ પ્રભાત ફેરી, સંધ્યા ફેરી, ગ્રામ સફાઈ સહિત અનેકવિધ સ્પર્ધાત્મક કાર્યક્રમોનું પણ આયોજન કરવામા આવ્યુ છે. જેમા શ્રેષ્ઠ દેખાવ કરનારા પ્રથમ ત્રણ ગામોને અનુક્રમે 11 હજાર, 9 હજાર અને 7 હજારનું પ્રોત્સાહક પારિતોષિક અર્પણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...