ગળાકાપ સ્પર્ધાત્મક માહોલ વચ્ચે માધ્યમિક શિક્ષણ પણ માંડ પુરૂ કરી શકેલી ડાંગ જિલ્લાના સાવરદા જેવા અંતરિયાળ વિસ્તારની યુવતીઓ ‘મિશન મંગલમ' જેવી યોજનાના સહારે ‘આત્મનિર્ભર' બની ઘરઆંગણે રોજગારી મેળવતી થઈ છે તેમ સુબીર તાલુકાના સાવરદા ગામના કિંજલ સખી મંડળના રવિના ગાવિતે જણાવ્યું હતું.
ગત વર્ષે જ ગામની દસ જેટલી યુવતીએ એકત્ર થઈ સખી મંડળની રચના કરી હતી. તેમણે સિવણકામની તાલીમ સહિત મશરૂમ ઉત્પાદન અને નાગલી પાપડ બનાવવાની તાલીમથી સજ્જ થઇ હતી. બાદમાં ગામમાં સિવણકામ સાથે અન્ય જરૂરિયાતમંદ બહેનોને સિવણની તાલીમ આપવાનું પણ આ શરૂ કરતા અહીં નવી પ્રવૃત્તિના શ્રીગણેશ થયા હતા.
બ્લાઉઝ અને ડ્રેસ સિવવા સાથે તેના કાપડનું વેચાણ કરી મહિને દહાડે અંતરિયાળ વિસ્તારની આદિવાસી યુવતીઓ 10-12 હજાર રૂપિયા આરામથી કમાઈ રહી છે તેમ જણાવતા રવિના ગાવિતે કહ્યું હતું કે, બચત અને ધિરાણની પ્રવૃત્તિઓ સાથે શરૂ કરેલા મંડળને સુબીર તાલુકા પંચાયત તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ જરૂરી તાલીમ અને માર્ગદર્શન પૂરુ પાડી સશક્ત બનાવ્યું છે, જેના કારણે સ્વયંની રોજીરોટી માટે ચિંતિત બહેનો અન્ય યુવતીઓને તાલીમ અને રોજગારી પૂરી પાડવા સક્ષમ બની છે.
ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં 1116 જેટલા સખી મંડળો અને 66 સખી સંઘો સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છે તેમ ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીના ડાંગ જિલ્લાના ડિસ્ટ્રિકટ મેનેજર રમેશ પાતલિયાએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.