પ્રવાસીઓમાં ભય:સતત ત્રીજો દિવસ; રવિવારે પણ સાપુતારામાં દીપડાના દર્શન થયા

આહવા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક લારી ગલ્લાવાળાઓએ જંગલ વિસ્તારમાં લટાર મારતો નિહાળ્યો

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે છેલ્લા બે ત્રણ દિવસથી દીપડાની લટાર વધી ગઈ છે. બે દિવસ પૂર્વે ગિરિમથક સાપુતારાના સાંઈ લીલા બંગલોમાં પાર્કિંગ શેડમાં સાંકળથી બાંધેલ સ્વાન પર દીપડાએ હુમલો કર્યો હતો.

અહીં પાળતુ શ્વાને પોતાનો જીવ બચાવવા માટે દીપડા પર વળતો પ્રહાર કરતા આખરે દીપડો પલાયન થઈ ગયો હતો અને પાળતુ શ્વાન બચી ગયો હતો. તેવામાં બીજા દિવસે શનિવારે મોડી સાંજે દીપડાએ ઈકો પોઈંટ ખાતે રખડતા કૂતરાનો શિકાર કર્યો હતો. ઈકો પોઈંટ ખાતેનાં ડુંગરાળ ઝાડી ઝાંખરામાં દીપડાએ કૂતરા પર ઘાત લગાવી મારણ કરતા લોકોએ ભારે બુમાબૂમ મચાવી હતી. અહીં દૂરથી લોકોએ દીપડાને કૂતરાનું મારણ કરતાના દ્રશ્યો પણ કેમેરામાં કેદ કરતા ફરવા આવેલ પ્રવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.

આજરોજ રવિવારે પણ સવારે આ ખૂંખાર દીપડો સ્થાનિક લારી ગલ્લાવાળાને જૈન મંદિરથી નીચે જંગલ વિસ્તારમાં લટાર મારતો દેખાતા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં વિકેન્ડ હોય જેથી ગિરિમથક સાપુતારા પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યુ છે. પ્રવાસીઓ વહેલી સવારે અને મોડી રાત્રે પણ એકલા વોકિંગમાં નીકળે છે. તેવામાં એક તરફ પ્રવાસીઓ વિકેન્ડ માણી રહ્યા છે.

તો બીજી તરફ છેલ્લા ત્રણ દિવસથી ખુંખાર દિપડો પણ વિકેન્ડ માણવા નીકળી આવતા ફરવા આવેલ પ્રવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. હાલમાં દક્ષિણ વન વિભાગ હસ્તકનાં શામગહાન રેંજ વિભાગ દ્વારા આ દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...