અધિકારીઓમાં દોડધામ:પીપલદહાડ અને જામનસોંઢાના ગ્રામજનોનું રસ્તા બાબતે ચૂંટણી બહિષ્કારનું અલ્ટીમેટમ

આહવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આચારસંહિતાના કારણે હાલ કામગીરી થઇ ન શકે, ચૂંટણી બાદ તે થઇ જશે તેવું તંત્રનું રટણ

ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં ગીરાદાબદર ગામનાં ગ્રામજનો બાદ સુબીર તાલુકાનાં પીપલદહાડથી જામનસોંઢા ગામનાં ગ્રામજનો રસ્તા બાબતે અડીખમ બની રસ્તો નહીં તો મત પણ નહીંનાં સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવતા અધિકારીઓમાં દોડધામ મચી ગઈ છે.

વિધાનસભાની ચૂંટણીને લઈને રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાના ગીરાદાબદર થઈ કોસીમપાતળ માર્ગ તથા સુબીર તાલુકાનાં પીપલદહાડથી જામનસોંઢા થઈ તાપી જિલ્લાને જોડતો માર્ગનાં નવિનીકરણ બાબતે તંત્ર અને ગ્રામજનો વચ્ચે મામલો ઉગ્ર બન્યો છે. ગતરોજ વઘઇ તાલુકાનાં ગીરાદાબદરના ગ્રામજનોએ રસ્તા બાબતે ઉગ્ર વિરોધ નોંધાવી ચૂંટણી બહિષ્કારનું અલ્ટીમેટમ આપ્યું હતું. ગુરૂવારે સુબીર તાલુકાનાં પીપલદહાડ અને જામનસોંઢા ગામનાં ગ્રામજનોએ રસ્તા બાબતે અડીખમ બની ‘રસ્તો નહીં તો મતદાન પણ નહીં’નું અલ્ટીમેટમ આપતા ડાંગ જિલ્લાનાં અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી.

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં પીપલદહાડથી જામનસોંઢા થઈ તાપી જિલ્લાને જોડતો માર્ગ ખખડધજ હાલતમાં ફેરવાઈ જતા નવિનકરણ માટે અગાઉ ગ્રામજનોએ ડાંગ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પણ આપ્યું હતું. આ ખખડધજ રસ્તાનાં પગલે લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ચોમાસામાં વાહનચાલકો તોબા તોબા પોકારી ઉઠે છે. આ માર્ગનાં નવિનકરણ બાબતે ડાંગ જિલ્લાનાં વહીવટી તંત્ર દ્વારા ઘોર દુર્લક્ષતા સેવતા ગ્રામજનોએ રોષે ભરાઈને ગુરૂવારે રસ્તો નહીં તો વિધાનસભાની ચૂંટણીમાં મતદાન પણ નહી એવું જણાવી ઉગ્ર વિરોધ નોંધાવતા સ્થળ પર ડાંગ જિલ્લા વહીવટી પ્રયોજના અધિકારી જે.ડી.પટેલ, કાર્યપાલક ઈજનેર આર.બી.ચૌધરી, સુબીર મામલતદાર સહિતનાં અધિકારીઓ દોડી ગયા હતા.

ડાંગ જિલ્લા વહીવટી તંત્રની ટીમ દ્વારા અહી ગામલોકોને સમજ આપતા જણાવ્યું હતું કે આ રસ્તાનું કામ પ્રગતિ હેઠળ આવરી લેવામાં આવ્યુ છે પરંતુ આચારસંહિતાને કારણે રસ્તાનું કામ થઈ શકે તેમ નથી. આચારસંહિતા બાદ રસ્તો બનાવી આપવાની તંત્ર દ્વારા હૈયા ધરપત આપવામાં આવી હતી. આ માટે વિધાનસભાની ચૂંટણીમાં ગ્રામજનોને અચૂક મતદાન કરવા જણાવ્યું હતું. સુબીર તાલુકાનાં પીપલદહાડ અને જામનસોંઢા ગામનાં ગ્રામજનોએ ઉપસ્થિત તમામ અધિકારીઓની અટકળોનો વિરોધ કરી ગામનાં વિકાસ માટે મક્કમ નિર્ધાર વ્યક્ત કરી રસ્તો નહી તો મત પણ નહી આપવાનું સ્પષ્ટપણે અધિકારીઓને જણાવતા હડકંપ મચી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...