રાજ્ય સરકારની સર્વ શિક્ષા અભિયાનમાંથી શાળા તેમજ હોસ્ટેલમાં સફાઈ માટે ગ્રાન્ટ આપવા છતાં ડાંગની મોટાભાગની શાળાઓ તેમજ હોસ્ટેલ, આશ્રમશાળાઓમાં વિદ્યાર્થીઓ પાસે સફાઇ કરાવાય છે. ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાની રાવચોંડ પ્રાથમિક શાળાનાં માસૂમ બાળકોનો માથા પર તગારા સાથેનો મજૂરીનો વિડીયો વહેતો થતા શિક્ષણ આલમમાં ચકચાર મચી ગઇ છે.
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાની રાવચોંડ પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા માસૂમ ભૂલકાઓ પાસે મજૂરી કરાવવાનો વિડીયો વહેતો થતા ચકચાર મચી ગઇ હતી. અહીં નાના નિર્દોષ ભૂલકાઓ માથે રેતી ભરેલા તગારા અને લોખંડની ટ્રોલી વહન કરતા જોવા મળી રહ્યાં છે.
આ વિડીયો વહેતો થતા જ ડાંગ શિક્ષણ જગતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે આવતા નાના બાળકો પાસે લોખંડની ભારે ટ્રોલીમાં રેતી અને ઈંટોનાં ટુકડા સહિત અન્ય સામાનની હેરાફેરી કરાવવામાં આવતા હોવાનો વિડીયો સામે આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ વિડીયોમાં આ રીતે નાના નિર્દોષ ભૂલકાઓને માથે રેતી ભરેલા તગારા ઉચકાવીને કામ કરાવતા જિલ્લામાં ચકચાર મચી ગઇ હતી અને કસૂરવાર સામે પગલા લેવા માંગ ઉઠી છે. રાવચોંડ ગામના એક યુવાને વિડીયો બનાવી શાળાનાં શિક્ષિકાને સવાલ કરતા શિક્ષિકાએ ઉડાઉ જવાબ આપ્યો હતો. બાળકોને આ અંગે પૂછતા તેઓએ સાહેબે આ કામ કરવાનું જણાવ્યું હતું.
પ્રભારી મંત્રી મુદ્દો સંકલનમાં લેશે
ડાંગ જિલ્લાની મુલાકાતે આવેલ પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિને થતા તેઓએ જણાવ્યું હતું કે આ અંગે મને ખાસ ખબર નથી પરંતુ નિર્દોષ બાળકો પાસે રેતી ભરેલા તગારા ઉચકાવામાં આવતા હોય તો તે યોગ્ય નથી. તેઓએ શુક્રવારે યોજાયેલી ડાંગ જિલ્લા વહીવટી તંત્રની સંકલનની મિટિંગમાં આ મુદ્દે ચર્ચા કરી કસૂરવારો સામે પગલા ભરવા આદેશ કર્યો હતો.
શિક્ષણ ટીમને તપાસ અર્થે મોકલી છે
ડાંગ જિલ્લાની સંકલન બેઠકમાં મંત્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા અમોને સૂચના આપવામાં આવી છે અને શિક્ષણની ટીમને તપાસનાં અર્થે આહવા તાલુકાની રાવચોંડ પ્રાથમિક શાળામાં મોકલી છે.> નરેન્દ્રભાઇ ઠાકરે, પ્રાથમિક શિક્ષણાધિકારી, ડાંગ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.