ગાઢવી ગામમાં બનેલી ઘટનાથી ચકચાર:જમાઈએ લાકડાના સપાટા મારી સસરાનું ઢીમ ઢાળ્યું

આહવા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમવા અને ઘરખર્ચ મુદ્દે તકરાર થઇ હતી

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના ગાઢવી ગામે સસરા તથા જમાઈ વચ્ચે જમવા તથા ઘરખર્ચ બાબતે તકરાર થતા જમાઈએ આવેશમાં આવી જઈ સસરાનું ઢીમ ઢાળી દેતા ચકચાર મચી ગઈ છે.આ ઘટનાને પગલે પવાર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પોલીસે ઘટનાના ટૂંકાગાળામાં જ હત્યારા જમાઇની ધરપકડ કરી આગાળની કાર્યવાહી હાથ ધરી હતી.

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના ગાઢવી ગામે ફૂલસિંગભાઈ ઉત્તમભાઈ પવાર(સસરા) અને શિવરામભાઈ દેવરામભાઈ પવાર (જમાઈ) એક જ ઘરમાં રહેતા હતા. ગતરોજ રાત્રિનાં અરસામાં સસરા અને જમાઈ જમવા સાથે બેસેલા હતા. તે વખતે જમાઈ શિવરામભાઈ પવારે જમવા તથા ઘરખર્ચ બાબતે સસરા જોડે તકરાર થઈ હતી.

જેને પગલે ઉશ્કેરાયેલા જમાઈએ સસરા ફુલસિંગ (ઉ.વા. 60, હાલ રહે. ગાઢવી મૂળ રહે.ઉગા તા.સુબીર)ના માથાનાં ભાગે લાકડાનાં સપાટા મારી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ હતી. આ બનાવની જાણ આહવા પોલીસને થતા આહવા પીએસઆઈ પી.એચ.મકવાણા સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો. સ્થળ પરથી મૃતક ફુલસિંગ પવારની લાશનો કબજો મેળવી પીએમ માટે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. પ્રેમીલાબેન પવારની ફરિયાદનાં આધારે આરોપી જમાઈ શિવરામભાઈ પવારની ધરપકડ કરી તેની સામે ઈપીકો કલમ ન.323, 504, 302 મુજબનો ગુનો નોંધી તપાસ હાથ હતી.

અન્ય સમાચારો પણ છે...