તંત્રની કાર્યવાહી:સાપુતારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી ભયજનક પથ્થરો બ્લાસ્ટ કરી દૂર કરવાની કામગીરી શરૂ

આહવા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોન્સૂન ફેસ્ટીવલને ધ્યાનમાં રાખી વહીવટી તંત્રની કાર્યવાહી

ગિરિમથક સાપુતારામાં 1 મહિના સુધી ચાલનાર મોન્સૂન ફેસ્ટિવલને ધ્યાનમાં રાખી સાપુતારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભયજનક પથ્થરો હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે.ડાંગ જિલ્લામાં ગત 11 જુલાઈનાં રોજ ભારેથી અતિભારે વરસાદ વરસી જવાના કારણે પેટાવિભાગીય કચેરી નવસારી હસ્તકનાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-953 સાપુતારા માલેગામ ઘાટમાર્ગમાં ભારે લેન્ડ સ્લાઈડીંગ થયું હતું. જેના કારણે 3 દિવસ સુધી આ રસ્તો વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો હતો.

સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ દ્વારા અડધો જ રસ્તો ક્લિયર કરતા માત્ર નાના વાહનો માટે સવારે 5થી રાત્રિનાં 10 વાગ્યા સુધીમાં અવરજવરની પરવાનગી આપવામા આવી હતી. આ સાથે હાલમાં પણ ભારે વાહનો અને લકઝરી જેવા વાહનો પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. હાલમાં પણ ગણેશ મંદિર પાસેના હિલ ઉપરનાં ભાગમાં જોખમી પથ્થરો અટકી ગયેલા હોવાથી વાહનવ્યવહાર માટે ભયજનક પરિસ્થિતિ ઉભી થઈ છે

ત્યારે 30મી જુલાઈથી 30મી ઓગસ્ટ સુધીનાં 1 મહિના માટે સાપુતારામાં ગુજરાત પ્રવાસન વિભાગનાં નેજા હેઠળ મોન્સૂન મેઘમલ્હાર પર્વની ઉજવણી થવાની છે. જેથી મોન્સૂન ફેસ્ટિવલમાં આ ભેખડો પ્રવાસીઓ માટે જાનલેવા સાબિત નહીં થાય તે માટે તંત્ર દ્વારા પથ્થરો હટાવવાની પરવાનગી આપવામા આવી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ દ્વારા 28 અને 29મી સુધી જનજીવનને મુશ્કેલી પડે નહીં તે રીતે બ્લાસ્ટીંગ કરી પથ્થરો હટાવવાની કામગીરી હાથ ધરતા પ્રવાસીઓએ રાહત મેળવી છે.

અન્ય સમાચારો પણ છે...