રાજયનાં પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા 4થી 6 જૂન દરમિયાન ડાંગ જિલ્લાનાં વિવિધ મંદિરો, વિવિધ સમાજનાં આગેવાનો, વિવિધ મંડળોની મિટિંગ કરી વિકાસના કામો અને સમસ્યાની સમીક્ષા કરશે. ભાજપે આવનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દરેક જિલ્લામાં આગેવાનોની નિમણૂક કરી જવાબદારી સોંપી છે. જેમાં ડાંગ જિલ્લા માટે પૂર્વ આદિજાતિ અને વન પર્યાવરણ મંત્રી ગણપતસિંહ વસાવાને ડાંગ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. જેને લઈને ગણપતસિંહ વસાવાએ ત્રણ દિવસમાં ડાંગ જિલ્લાનાં ત્રણેય તાલુકાનાં પ્રવાસે છે.
આજે પ્રથમ દિવસે સૌ પ્રથમ ભાજપનાં આગેવાનો અને કાર્યકરો વઘઇમાં અંબાજી માતાનાં મંદિરે દર્શન કરી પ્રવાસ શરૂ કર્યો હતો. ચિચીનાગાંવઠા ગામે કોટવાળીયા સમાજની મુલાકત લઈ તેમની સમસ્યા જાણી હતી. કોટવાળીયા સમાજનાં આગેવાનોએ જર્જરિત મકાન રિપેરીંગ કરવા અને નવા આવાસ ફાળવણીની રજૂઆત કરી હતી. જ્યાંથી નીકળી વઘઇ એપીએમસીમાં વઘઇ મંડળનાં આગેવાનો સાથે મિટિંગ કરી આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને માર્ગદર્શન આપ્યું હતું.
સાકરપાતાળમાં સખી મંડળ દ્વારા સંચાલિત નાહરી ઉપહાર ગૃહની મુલાકાત લઈ આદિવાસી મહિલાઓ આત્મનિર્ભર બની રહી હોય તેમની સાથે અન્ય બહેનો જોડાય તેમજ ડાંગનું ઓર્ગેનિક ઉત્પાદનો પ્રવાસીઓ સુધી પહોંચે તેવી સુઘડ વ્યવસ્થા કરવા ભાર મૂકાયો હતો. શિવારીમાળમાં આવેલ વૈદેહી સંસ્કારધામમાં અનાથ બાળકીઓ માટે નોટબુક અને પેન્સિલ વિતરણ કરી તેમના ભણતર માટે ચિંતા કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છેકે પૂર્વ કેબિનેટ મંત્રી તરીકે કાર્યરત ગણપતસિંહ વસાવાને કુમારબંધ અને સૂપદહાડ ગામનાં ગ્રામજનોએ ચોમાસામાં સંપર્ક વિહોણા થઈ જતા હોવાની કરેલી રજૂઆત બાદ મંજૂર થયેલ બન્ને પુલની કામગીરી નિહાળી ખુશી વ્યક્ત કરી હતી. બન્ને ગામનાં ગ્રામજનોએ માજી મંત્રી ગણપતસિંહ વસાવાનું સન્માન કરી આવકાર્યા હતા. અંતે સાપુતારામાં નવી પીએચસીનું બાંધકામ અને સાપુતારા નવાગામમાં બાકી રહેલા વિસ્થાપિતોનાં પ્રશ્નો અને સમસ્યા અંગે ચર્ચા કરી તેના નિકાલ માટે ખાતરી આપી હતી.
નવાગામ વિસ્થાપિતોને જમીન પ્લોટની ફાળવણીમાં માજી મંત્રી ગણપતસિંહ વસાવાનું યોગદાન હોય સૌ નવાગામવાસીઓએ સ્વાગત કરી તેમનું બહુમાન કર્યું હતું. વઘઇ તાલુકાનાં ચૂંટણી પ્રવાસમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિત,સંગઠન પ્રમુખ દશરથભાઈ પવાર, મહામંત્રી રાજેશભાઈ ગામીત, કિશોરભાઈ ગાવિત,પ્રદેશ કારોબારી સુભાષભાઈ ગાઈન, હીરાભાઈ રાઉત સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.