દારૂની હેરાફેરી:ચીખલી ફાટકેથી કારમાંથી દારૂનો જથ્થો કબ્જે, ચાલક ભાગી છૂટ્યો

આહવા7 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લાની સુબીર પોલીસની ટીમે બાતમીનાં આધારે એક્સયુવી ગાડીમાંથી રૂ. 44,760નો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગતરોજ પાર-તાપી, નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનાં વિરોધમાં આહવામાં રેલી સહિત મહાસભા હોય જેથી કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે ડાંગ એસપી રવિરાજસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ સરહદીય ચેકપોસ્ટ પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. તે અરસામાં ડીવાયએસપી એસ.જી પાટીલને એક્સયુવી-500 ગાડીમાં દારૂનો જથ્થો ભરી મહાલથી બરડીપાડા તરફ જઈ રહ્યાની બાતમી મળી હતી.

આ બાતમીનાં આધારે સુબીર પોલીસની ટીમ એલર્ટ થઈ હતી અને તેઓએ વોચ ગોઠવી હતી. જે દરમિયાન મહાલથી બરડીપાડા રોડ પર ચીખલા ફાટક પાસે સફેદ કલરની એક્સયુવી ગાડી (નં. જીજે-05-જેબી-4626) ઉભી રહેલી દેખાઈ હતી. જ્યાં પોલીસની ટીમ પહોંચતા એક્સયુવી ગાડીનો ચાલક કાળા કલરની નંબર પ્લેટ વગરની ગાડીમાં બેસી નાસી છૂટયો હતો.

પોલીસે ગાડીમાં તપાસ હાથ ધરતા તેમાંથી ખાખી કલરનાં પૂંઠાનાં બોક્ષ મળ્યા હતા, જે બોક્ષ ખોલીને જોતા તેમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની દારૂની કુલ 510 નંગ બોટલ કિંમત રૂ. 44,760 મળી આવી હતી. પોલીસે દારૂ સહિત એક્સયુવી ગાડીની કિંમત 2,50,000 મળી રૂ. 2,94,760નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે દારૂનો જથ્થો મૂકી નાસી છૂટેલ શખસ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...