ગિરિમથક સાપુતારામાં આવનાર દિવસોમાં યોજાનાર મોન્સૂન ફેસ્ટિવલ-2022નાં કાર્યક્રમની તારીખ અંગે હજુ પણ અસમંજસતા છે. ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન પ્રકૃતિ હિલોળે ચડે છે અને પ્રવાસન સ્થળો પણ દિપી ઉઠે છે. ગિરિમથક સાપુતારાનાં જોવાલાયક સ્થળો પણ ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠે છે અને પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહે છે. ગિરિમથક સાપુતારામાં ફરવા આવતા પ્રવાસીઓને મનોરંજન મળી રહે તે માટે ગુજરાત પ્રવાસન વિભાગ સહિત સ્થાનિક વહીવટી તંત્રનાં નેજા હેઠળ ઋતુ આધારીત મોન્સૂન ફેસ્ટિવલ, સમર ફેસ્ટિવલ, વિન્ટર ફેસ્ટિવલ, ફૂડ ફેસ્ટિવલ સહિત કાઈટ ફેસ્ટિવલનું આયોજન હાથ ધરાય છે.
ગિરિમથક સાપુતારામાં હાલમાં વરસાદી માહોલ અને ધુમ્મસીયા વાતાવરણમાં 30મી જુલાઈથી 30મી ઓગસ્ટ એમ એક મહિના માટે મોન્સૂન ફેસ્ટિવલનાં આયોજનનો ગણગણાટ સાંભળવા મળતા પ્રવાસીઓ નવી આશા વ્યક્ત કરી રહ્યા છે. ગત વર્ષે કોરોનાની મહામારીમાં મોન્સૂન ફેસ્ટિવલની સાદગીપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. ગત વર્ષે ગણતરીનાં પ્રવાસીઓને પ્રવેશ તથા ગુજરાત પ્રવાસન વિભાગનાં આયોજનના અભાવે મોન્સૂન ફેસ્ટિવલ કાગળ પર જ સાર્થક જણાયો હતો.
ચાલુ વર્ષ-2022માં પણ ગુજરાત પ્રવાસન વિભાગનાં અમુક હરખઘેલા અધિકારીઓએ સ્થાનિક વહીવટી તંત્રનાં અધિકારીઓનાં જાણ બહાર મોન્સૂન ફેસ્ટિવલ-2022ને જાહેર કરી દેતા તંત્ર સહિત પ્રવાસીઓમાં અસમંજસતા વધી છે. સાપુતારામાં યોજાનાર મોન્સૂન ફેસ્ટિવલની સત્તાવાર તારીખો ડાંગ વહીવટી તંત્ર કે સ્થાનિક પ્રવાસન વિભાગ પાસે પણ નહીં હોવાનાં પગલે મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરતું ગુજરાત પ્રવાસન વિભાગનાં અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી છે. અત્રે નોંધનીય છે કે રાજ્યનું એકમાત્ર હિલસ્ટેશન સાપુતારા પ્રવાસીઓમાં પ્રખ્યાત છે.
સાપુતારામાં ફરવા આવતા દેશ વિદેશનાં પ્રવાસીઓને મનોરંજન પુરૂ પડી રહે તે માટે રાજય સરકાર ફેસ્ટિવલની ઉજવણી કરવા માટે કરોડોનો ખર્ચો કરે છે પરંતુ દર વર્ષે ગુજરાત પ્રવાસન વિભાગની આડોડાઈનાં પગલે મોન્સૂન ફેસ્ટિવલ માત્ર નામનો ઉજવવામાં આવે છે. વધુમાં ચાલુ વર્ષે ગુજરાત પ્રવાસન વિભાગનાં અધિકારીઓનાં પાપે સત્તાવાર તારીખ સહિત કાર્યક્રમો જાહેર નહીં થતા અસમંજસતા સર્જાઈ છે.
26-27મીએ અધિકારીઓ સાપુતારા આવવાના છે
સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન ગાંધીનગરથી થાય છે. 26 અને 27મી જુલાઈનાં રોજ ગુજરાત પ્રવાસન વિભાગનાં અધિકારીઓ સાપુતારા આવવાનાં છે પરંતુ 30મી જુલાઈથી 30 ઓગસ્ટ સુધી યોજાનાર મોન્સૂન ફેસ્ટિવલનાં સત્તાવાર તારીખ અંગે મારી પાસે કોઈ જાણકારી નથી. - ભીમભાઈ પરમાર, મેનેજર, ગુજરાત પ્રવાસન વિભાગ
પ્રવાસન વિભાગ દ્વારા મૌખિકમાં માહિતી જણાવાઈ છે
સાપુતારામાં આગામી દિવસોમાં મોન્સૂન ફેસ્ટિવલ યોજાનાર છે અને સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનું ઉદઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે કરવામાં આવનાર છે. આ અંગેની માહિતી ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા મૌખિકમાં જણાવવામાં આવી છે પરંતુ હજી સુધી અમારી પાસે મોન્સૂન ફેસ્ટિવલ અંગેની સત્તાવાર તારીખો આવી નથી. - પદ્મરાજ ગાવિત, અધિક કલેકટર, ડાંગ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.