બજેટ નામંજૂર:રાજકીય રાગદ્વેષ રાખી માનમોડી ગ્રુપ ગ્રામ પંચાયતનું બજેટ નામંજૂર કરાયું

આહવા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચ-સભ્યોએ સા. સભા બોલાવી વિ. કમિશ્નરને લેખિતમાં ખુલાસો કરતા ખળભળાટ

ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકા પંચાયતની માનમોડી ગ્રુપ ગ્રામ પંચાયતનાં વાર્ષિક અંદાજપત્ર નામંજૂર અંગે સરપંચ સહિત સભ્યોએ સામાન્ય સભા બોલાવી વિકાસ કમિશ્નરને લેખિતમાં ખુલાસો કરતા ખળભળાટ મચી ગયો છે. ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ગ્રુપ ગ્રામ પંચાયત માનમોડીની ચૂંટણીમાં સગા કાકા અને ભત્રીજાની લડાઈમાં ભત્રીજા મહેન્દ્રભાઈ ગાવિતે 1 મતથી બાજી મારી હતી અને માનમોડી ગ્રુપ ગ્રા.પં.ની પાતળી સરસાઈથી સત્તા સંભાળી હતી.

માનમોડી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ મહેન્દ્રભાઈ ગાવિતને સત્તાના 57 દિવસમાં જ બજેટનું ગ્રહણ નડયું હતું. આ ગ્રુપ ગ્રામ પંચાયતના કુલ 10માંથી 6 સભ્યએ સતત બે વખત સામાન્ય સભામાં બજેટનો ઉગ્ર વિરોધ કરતા બજેટ નામંજૂર થયું હતું. સતત બે વખત બજેટ નામંજૂર થતા આખરે આ મુદ્દો ગાંધીનગર વિકાસ કમિશ્નરમાં પહોંચ્યો હતો. માનમોડી ગ્રા.પં.નું સતત બીજી વખત બજેટ નામંજૂર થતા ગાંધીનગર વિકાસ કમિશ્નર દ્વારા સરપંચ સહિત ચૂંટાયેલા તમામ સભ્યોને નોટિસ બજવી કયા કારણોસર બજેટ નામંજૂર કર્યુ હતું. તે બાબતનો ખુલાસો માંગ્યો હતો.

ગાંધીનગર વિકાસ કમિશ્નરની નોટિસ અને ખુલાસાને ધ્યાનમાં રાખી સોમવારે ફરી ગ્રુપ ગ્રામ પંચાયત માનમોડીમાં સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં સરપંચ મહેન્દ્રભાઈ ગાવિત અને તેની તરફેણમાં 4 સભ્યએ ખુલાસો કરી જણાવ્યું હતું કે સરપંચ તરીકે શાસનમાં માત્ર 57 દિવસનો વહીવટ કરવામાં આવ્યો છે. જે સમય દરમિયાન સ્વભંડોળમાંથી કોઈ ખર્ચ કરવામાં આવ્યો નથી પરંતુ સ્વભંડોળની આવકમાં વધારો થયો છે તથા સરકારની કામગીરીમાં ગેરવહીવટ કે ઉલ્લંઘન કરવામાં આવ્યો નથી, તેમ છતાં માત્ર સને 2022/23નું અંદાજપત્ર નામંજૂર કરવા માટે રાજકીય રાગદ્વેષ રાખવામાં આવે છે. આ સાથે ઉપસરપંચ દ્વારા જોગવાઈ નહીં હોવા છતાં પણ સરપંચ, તલાટીકમમંત્રી અને ચૂંટાયેલ એક સભ્યની નાણાંકીય વહીવટમાં સહીની માંગણી કરી છે.

આમ સામાવાળા 6 સભ્યો પાસે અંદાજપત્ર નામંજૂર કરવાનું કોઈ સ્પષ્ટ કારણ નથી, તેમ છતાં બજેટ નામંજૂર કરવાનો ઠરાવ કર્યો છે. ગ્રુપ ગ્રામ પંચાયત માનમોડીનાં 6 સભ્યએ સત્તાનો દૂરોપયોગ કરી સરકારનાં કાયદા વિરુદ્ધ જઈ ઠરાવ કરવાની કાર્યવાહી કરી છે, જે અંદાજપત્રનાં વિરોધ માટે કોઈ વ્યાજબી કારણ નહીં હોય તેમ છતાં વધુ સત્તા મેળવવાનાં ગજગ્રાહમાં માનમોડી ગ્રુપ ગ્રામ પંચાયતનું સામૂહિક અને મતદારોનો ભોગ લેવાય રહ્યો છે.જેથી વિના વાંકે ફરી ચૂંટણીનો ખર્ચો મતદારોએ ભોગવવો નહીં પડે તે માટે પંચાયતની ધારા 116/5 મુજબ નિર્ણય લેવા તથા ગુજરાત પંચાયત ધારા કલમ નં. 116/8/6 મુજબની કાર્યવાહી કરવા સરપંચ મહેન્દ્રભાઈ ગાવિતે સામાન્ય સભા બોલાવી વિકાસ કમિશ્નર ગાંધીનગરને લેખિતમાં ખુલાસો કરતા ખળભળાટ મચી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...