ડાંગ જિલ્લામાં મેઘ તાંડવ:સુબીરમાં 24 કલાકમાં સૌથી વધુ 13 ઇંચ, સાપુતારા માર્ગ જોખમી બન્યો

આહવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 30થી વધુ કોઝવે કમ પુલ પાણીમાં ગરક થતા 50થી વધુ ગામ અસરગ્રસ્ત
  • રાષ્ટ્રીય ધોરીમાર્ગ​​​​​​​ બંધ થતાં વાહન વ્યવહાર ખોરવાયો, ડાંગમાં ઠેરઠેર વીજપોલ ધરાશાયી થતા કેટલાય ગામોમાં કલાકો સુધી વીજળી ડૂલ

ડાંગ જિલ્લામાં સતત ચોથા દિવસે અનરાધાર મેઘ તાંડવમાં 30થી વધુ કોઝવેકમ પુલો પાણીમાં ગરક થતા 50થી વધુ ગામ અસરગ્રસ્ત બન્યા હતા. ગિરિમથક સાપુતારા સહિત આહવા ઘાટમાર્ગમાં ભેખડો ધસી પડવાની સાથે ભુ-સ્લખલન થતા માર્ગો ચોકઅપ થયા હતા. સતત વરસાદને પગલે ડાંગી જનજીવન અસરગ્રસ્ત થયું હતું. ડાંગ જિલ્લામાં સતત 4 દિવસથી અનરાધાર વરસી રહેલા વરસાદનાં પગલે ડાંગી જનજીવન અસરગ્રસ્ત થયું છે. ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદનાં પગલે લોકમાતા અંબિકા,ખાપરી,પુર્ણા અને ગીરા નદીઓ ઓવરફ્લો થઈ બન્ને કાંઠે વહેતી થઈ છે.

વરસાદને પગલે જંગલ વિસ્તારનાં નદી, નાળા, કોતરડા,ઝરણાઓ,વહેળા સહિત નાનકડા જળધોધ પણ ગાંડાતુર બન્યાનાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. ડાંગમાં ધોધમાર વરસાદનાં પગલે સતત 4થા દિવસે 30થી વધુ કોઝવે કમ પુલ પાણીમાં ગરક થતા 50થી વધુ ગામ જિલ્લાનાં વહીવટી મથક આહવાથી સંપર્કવિહોણા બન્યા હતા. ગિરિમથક સાપુતારા, આહવા,વઘઇ, સુબીર સહીત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં સોમવારે દિવસ દરમિયાન અનરાધાર વરસાદી માહોલને પગલે અમુક ઘરોમાં, કોઝવે,ક્યારડાઓ સહિત આંતરીક માર્ગોનું ધોવાણ થતા નુકસાનનાં અહેવાલો મળી રહ્યા છે.

ડાંગમાં વરસાદને પગલે જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં 11મી જુલાઈએ શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની સૂચના અપાઈ હતી. ડાંગના વરસાદને પગલે દિવસ દરમિયાન 30થી વધુ લો લેવલનાં કોઝવેકમ પુલ ઉપર પાણી ફરી વળતા માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા. માર્ગ બંધ થતા 50થી વધુ ગામ સંપર્કવિહોણા બન્યા હતા. વરસાદને પગલે જમીનનુ મોટા પાયે ધોવાણ થવાથી, ઠેર ઠેર વૃક્ષો, વીજપોલ ધરાશાયી થવા તથા માટી,પથ્થરો,અને મલબો ડુંગરો ઉપરથી નીચેની તરફ ધસી પડવા જેવા બનાવો બન્યા હતા.

સાપુતારાનાં ઘાટ માર્ગમાં પણ વૃક્ષો,માટી અને પથ્થરો ધરાશાયી થતા થોડાક સમય માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થયો હતો. સાપુતારા ઘાટમાર્ગમાં એકતરફ ધોધમાર વરસાદ અને બીજી તરફ ભેખડો ધસવાનાં બનાવથી માર્ગમાં અવરોધાયેલા પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. શામગહાન વન વિભાગ અને સાપુતારા પોલીસની ટીમે કામગીરી હાથ ધરી આ માર્ગ પૂર્વરત થયો હતો. આ ઉપરાંત ડાંગમાં ઠેરઠેર વીજપોલ ધરાશાયી થતા અમુક ગામોમાં વીજડૂલ થઈ હતી.

આજે 431 પ્રાથમિક અને 67 માધ્યમિક શાળા બંધ રહેશે
​​​​​​​ડાંગમાં વરસાદને પગલે ઉદભવેલી પરિસ્થિતિને ધ્યાને લેતા જિલ્લાની 431 પ્રા. શાળા અને 67 મા. શાળામાં આજરોજ શૈક્ષણિક કાર્ય બંધ રખાયુ છે. વરસાદની સ્થિતિની સમીક્ષા બાદ શાળા શરૂ કરવા અંગેની આગળની સૂચના આપવામા આવશે. જેની તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, અને શાળા સંચાલકોને નોંધ લેવા પણ જણાવાયું છે. - મણિલાલ ભૂસારા, શિક્ષણાધિકારી, ડાંગ જિલ્લા

​​​​​​​ડાંગ જિલ્લાનો 24 કલાકનો વરસાદ
ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન વઘઇમાં 212 મિમી (8.48 ઈંચ), સાપુતારામાં 293 મિમી (11.72 ઈંચ), આહવામાં 312 મિમી (12.48 ઈંચ), જ્યારે સુબીરમાં 313 મિમી (12.52 ઈંચ) વરસાદ નોંધાયો હતો.

ધોધમાર વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલા માર્ગો
સતિ-વાંગણ-કુત્તરનાચ્યા રોડ, બોરખલ-ગાયખાસ-ચવડવેલ રોડ, ભવાનદગડ-ધુલચોન્ડ-આમસરવલણ રોડ, કાકડવિહીર-ખેરીન્દ્રા-ચમારપાડા રોડ, પીપલદહાડ-જોગથવા રોડ, ઢાઢરા વી.એ.રોડ, આંબાપાડા વી.એ.રોડ, ખાતળ ફાટકથી ઘોડીરોડ, કુડકસ-કોશિમપાતળ રોડ, સુસરદા વી.એ.રોડ, ચીખલદા વી.એ.રોડ, આહેરડી-બોરદહાડ રોડ, નાનાપાડા-કુમારબંધ-બોરદહાડ રોડ, માછળી-ચીખલા-દિવડયાવન રોડ, વાંઝટઆંબા-કોયલીપાડા રોડ, ઘોડવહળ વી.એ.રોડ, કાલીબેલ-પાંઢરમાળ-વાંકન રોડ, પાતળી-ગોદડિયા રોડ, ચીકટિયા-ગાઢવી રોડ, ભાપખલ-રાનપાડા રોડ, દગડપાડા-પીપલસોંઢા રોડ, દોડીપાડા ચીકાર ફળિયા રોડ, ગોદડિયા-પાંઢરમાળ રોડ, ભેંસકાતરી-કાકરદા રોડ, મોટી દબાસ લહાન દબાસ રોડ, બરમ્યાવડ રોડ, સિંગાણા-ધુલદા રોડ, માનમોડી નિંબારપાડા રોડ અને બાજ વી.એ રોડનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...