કેન્દ્ર સરકારનાં બજેટમાં પાર-તાપી અને નર્મદા રિવર લિંકનાં પ્રોજેક્ટનાં જોડાણની મંજૂરી સામે આવ્યા બાદ દક્ષિણ ગુજરાતનાં આદિવાસી જિલ્લાઓમાં ભારે હોબાળો મચ્યો છે. આ પ્રોજેક્ટને કાયમી ધોરણે રદ કરવાની માંગ સાથે અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સંગઠનોની 10 થી વધુ મહાસભા અને રેલી યોજાઈ ચૂકી છે. મંગળવારે ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવામાં આદિવાસી અસ્તિત્વ બચાવો સંયુક્ત સંઘર્ષ સમિતિ ગુજરાતનાં નેજા હેઠળ યોજાયેલી મહાસભા અને રેલીમાં આદિવાસી સમાજનાં મોટી સંખ્યામાં ભાઈ- બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
અહી ઉપસ્થિત લોકોએ સરકાર દ્વારા જાહેર કરેલા પાર-તાપી, નર્મદા રિવર લિંક યોજના, વેદાંતા ઝીંક પ્રોજેક્ટ, કોરિડોર રસ્તો, લેપર્ડ અને ટાઈગર સફારી પાર્કનો સૂત્રોચ્ચાર સાથે પ્રચંડ વિરોધ નોંધાવ્યો હતો અને સરકાર પાસે માંગ કરી હતી કે આદિવાસી સમાજનું અસ્તિત્વ જળ, જંગલ અને જમીનને અસર કરતી કોઈ પણ યોજના બનાવશો નહીં. આદિવાસી સમાજને માટે બંધારણમાં કરેલી જોગવાઈ પાંચમી અનુસૂચિ અને PESA કાયદા મુજબ ગામની ગ્રામસભાનાં અધિકારો પર તરાપ મારી અધિકારો છીનવાઈ અને આદિવાસી સમાજને ધર્મના નામે ભાગલા પાડવા બંધ કરવા માટે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આ જાહેરસભામાં ડાંગ,વલસાડ, તાપી, ભરૂચ, નર્મદા અને મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અહી આદિવાસી સમાજનાં યુવા આગેવાન અને વાંસદાનાં આદિવાસી ધારાસભ્ય અનંત ભાઈ પટેલ અને દેડિયાપાડાનાં ધારાસભ્ય મહેશભાઈ વસાવા દ્વારા સમાજને સંગઠિત બની હક અને અધિકાર માટે એક થવા આહવાન કર્યું હતું. આ મહાસભા બાદ આદિવાસી ભાઈ-બહેનોએ આહવા નગરમાં પ્રચંડ જનરેલી કાઢી કલેક્ટર કચેરી પહોંચી હતી અને સંગઠન દ્વારા ડાંગ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.