સુવિધા:200 આદિવાસી વિદ્યાર્થિની માટે અદ્યતન છાત્રાલય આજે ભદરપાડા શાળાને અર્પણ

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમાજશ્રેષ્ઠીઓ અને દાતાઓના સહયોગથી બે કરોડના ખર્ચે સુવિધા ઉભી કરાઇ

રાજ્યના છેવાડે આવેલા સરહદી ડાંગ જિલ્લામાં શિક્ષણ અને સંસ્કારની જ્યોતને વધુ પ્રજ્વલિત કરતા સંસ્કાર નગરી નવસારી નિવાસી ડો. રાજન શેઠજી એમના માનવ ટ્રસ્ટના નેજા હેઠળ તેમની સેવા પ્રવૃત્તિઓને સતત આગળ ધપાવી રહ્યા છે.

સેવાની આ શૃંખલાને આગળ ધપાવતા ભદરપાડા શાળાની 200 જેટલી આદિવાસી વિદ્યાર્થિનીઓ માટે રૂ. 2 કરોડની લાગત ધરાવતી અદ્યતન સવલત સાથેની બહુમજલી કન્યા છાત્રાલયનુ નિર્માણ તાજેતરમા જ સંપન્ન કરાયું છે. ડો. રાજન શેઠજીની આ નિ:સ્વાર્થ સમાજ સેવાનુ આ પ્રશંસાપાત્ર અભિયાન 8મી જાન્યુઆરીને રવિવારથી સત્તાવાર રીતે અનેક અતિથિ વિશેષ મહાનુભાવો, સમાજશ્રેષ્ઠીઓ, દાતાઓ, આમંત્રિતો, અને સમાજપ્રેમી ચાહકોની હાજરીમાં ભદરપાડા શાળાના કર્મઠ સંચાલકોને અર્પણ કરવામાં આવનાર છે.

ડાંગ જિલ્લામા સને 2002થી સતત વિવિધ પ્રકારની સામાજિક ઉત્થાનની પ્રવૃત્તિઓને સમર્પિત રહેલા આ સેવાકર્મીઓ દ્વારા સને 2008 સુધી નિયમિત રીતે વિવિધ શાળાઓમા તબીબી ચિકિત્સા અને સહાયક કેમ્પના અગણિત આયોજન બાદ એક મહાત્વાકાંક્ષી શિક્ષણ અભિયાન હેઠળ તદુપરાંત સને 2017થી નિયમિત રીતે સમુહ લગ્નના કાર્યક્રમોનુ આયોજન કરી આજદિન સુધીમા લગભગ 151 જેટલા દાંપત્યજીવન ખીલવ્યા છે.

એટલુ જ નહી, ભદરપાડા ગામે રામજી મંદિર-નવસારીના સક્રિય સહયોગથી હનુમાન દાદાનુ મંદિર તેમજ બારમાસી પાણીની વ્યવસ્થા માટે ગુજરાત સરકારના સહયોગ અને અનુદાનથી નવા ચેકડેમનુ નિર્માણ તેમજ જુના ચેકડેમનું મરામત કામ પણ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. રવિવારનો કન્યા છાત્રાલયનો ઉદઘાટન પ્રસંગ ડાંગ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત માટે એક આદર્શ, પ્રેરણારૂપ એવો સિમાચિન્હ કાર્યક્રમ બની રહેશે.

ડાંગમાં માધ્યમિક શાળા પણ ઉભી કરાઇ
ડાંગના અંતરિયાળ વિસ્તારના છેવાડાના ગામ ભદરપાડામાં એક માધ્યમિક શાળા દત્તક લઈ એના મકાનનો જીર્ણોદ્ધાર કરીને એનુ સંચાલન આચાર્ય કિશોરભાઈ પટેલ અને તેમની ટીમને સમર્પિત કર્યુ હતું. શાળાના આધુનિકરણ અને અસરકારક શિક્ષણલક્ષી પ્રોગ્રામના આયોજન ઉપરાંત 75 લાખના ખર્ચે શાળા માટે પાકા મકાનની પણ વ્યવસ્થા કરી, ધોરણ-11-12ની સવલત પણ સફળતાપૂર્વક ઉભી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...