આદિવાસીઓનો પણ વિકાસ થાય અને તેમને પણ પ્રાથમિક જરૂરિયાતો મળતી થાય તેના માટે અનેક સ્વેચ્છિક સંસ્થાઓ આગળ વિવિધ સવલતો ઊભી કરી રહી છે. ત્યારે ભાદર પાડા ગુરૂકુળ ખાતે 75 લાખ રૂપિયાના શાળા ભવન બાદ ડૉ. રાજન શેઠજી અને સખાવતી વૃંદે 2 કરોડ રૂપિયાના ખર્ચે 200 આદિવાસી કન્યા માટે આધુનિક છાત્રાલય બનાવ્યું છે. જ્યારે જનક - જૈમિની દંપતિ દ્વારા 1.25 કરોડ રૂપિયાની સખાવત સાથે ભવન નિર્માણ સહાય આપવામાં આવી છે.
ગુજરાતના દક્ષિણ છેડે આવેલા આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લા સર્વાંગી વિકાસ પામે તે માટે અનેક સ્વેચ્છિક સંસ્થાઓ વિવિધ સવલતો ઊભી કરી રહી છે. નવસારીના ડૉ. રાજન શેઠજી અને સખાવતી મિત્રો દ્વારા ડાંગ ના ભાદરપાડા ખાતે પ્રથમ 75 લાખ રૂપિયાના ગુરૂકુળ શાળા ભવન અને આજે 200 આદિવાસી કન્યાઓ માટે નિઃશુલ્ક અદ્યતન નિવાસી છાત્રાલય 2 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થઈ છે.
આ પ્રસંગે ડાંગના ધારાસભ્ય તથા ઉપદંડક વિજય પટેલે જણાવ્યું કે ડાંગ જિલ્લામાં શિક્ષણનો છેલ્લા અઢી દાયકાથી ધુણી ધખાવી અખંડ યજ્ઞ કરતા નવસારીના સેવાભાવી તબીબ ડૉક્ટર રાજન શેઠજી અને સાથીઓએ અમારો હાથ ઝાલ્યો છે અને આ સુવિધા સંસ્કાર શિક્ષણ અને સેવાનો ત્રિવેણી છે. મુખ્ય દાતા દંપતી જનક મરોલીયા તથા જેમીની મરોલીયાએ સારા પુસ્તકોનું વાંચન કરવું, નવું શિખતા રહેવું, નિરંતર શીખવાની ધગસ રાખવી એમ કહી ઉપસ્થિત વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી.
એન.આઈ.એફ.કુ નવસારીના શૈલેષ કંસારા રૂ. 11 લાખ, કનુ ગાંધી રૂ.10 લાખ , સિનિયર સિટીઝન ટ્રસ્ટ નવસારીના 8.50 હજાર રૂપિયા વગેરે છાત્રાલય નિર્માણમાં મહત્ત્વની સખાવત થઈ હતી. દંડકારણ્ય એવા ડાંગમાં આ સેવાદીપ અન્વયે પ્રેરણા આપશે એવી સદભાવના આચાર્ય કિશોર પટેલે વ્યક્ત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.