ડાંગ જેવા છેવાડાના જિલ્લાના વિકાસ કામોના ખાતમુહૂર્ત/લોકાર્પણના કાર્યો અને યોજનાકિય લાભોના વિતરણ વેળાએ સ્થાનિક પદાધિકારીઓની ઉપસ્થિતિ સુનિશ્ચિત કરવાની સૂચના આપી. ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી હળપતિએ, વિકાસ કાર્યો અને યોજનાકિય લાભોના વિતરણમાં અમલીકરણ અધિકારીઓની કોઈ પણ પ્રકારની ઢીલ કે કચાશ ચલાવી લેવાશે નહીં તેમ સ્પષ્ટ પણે જણાવ્યું હતું.
મંજૂરીઓ સમયસર મેળવી લેવાની તાકિદ કરી
ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકેની નિયુક્તિ બાદ જિલ્લા અધિકારીઓની પ્રથમ બેઠક સંબોધી હતી. બેઠકમાં મંત્રીએ જે તે વિભાગને ફાળવાયેલી ગ્રાન્ટ સમયસર પૂર્ણ કરી, જરૂરી વહીવટી અને તાંત્રિક મંજૂરીઓ પણ સમયસર મેળવી લેવાની તાકિદ કરી હતી.
સૌ અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી
જિલ્લા સેવા સદન ખાતે આયોજિત બેઠકમાં મંત્રીએ પ્રજા કલ્યાણના કાર્યો ખોટી રીતે વહીવટી પ્રક્રિયામાં ન અવરોધાય તેની તકેદારી દાખવવા અપીલ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મહત્ત્વાકાંક્ષા અનુસાર, છેવાડાના માનવીઓના સર્વાંગી વિકાસ માટેના કાર્યો, યોજનાઓનો લાભ સમયસર સંબંધિતોને મળે તે અનિવાર્ય છે. વધુમાં જણાવતા પ્રભારી મંત્રીએ પ્રજા કલ્યાણનું હિત હૈયે રાખવાની પણ સૌ અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી.
પદાધિકારીઓની હાજરી અનિવાર્ય છે તેમ જણાવ્યું
દરમિયાન ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલે જિલ્લાના સાર્વજનિક વિકાસકામો અને યોજનાઓના લાભો મંજૂર કરવામાં અને તેના ખાતમુહૂર્ત/લોકાર્પણ સહિત વિતરણના કાર્યોમા પદાધિકારીઓની હાજરી અનિવાર્ય છે તેમ જણાવ્યું હતુ.
સંકલનમાં રહીને હાથ ધરવાની હિમાયત કરી
જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવીતે ચર્ચામાં ભાગ લેતા અમલીકરણ અધિકારીઓને યોજનાકીય લાભોની પસંદગી પ્રક્રિયા સહિતના પ્રજા કલ્યાણના કાર્યો, ચૂંટાયેલી પાંખના પદાધિકારીઓ, હોદ્દેદારો સાથે સંકલનમાં રહીને હાથ ધરવાની હિમાયત કરી હતી.
સુવિધાઓની ઝીણવટભરી સમિક્ષા હાથ ધરી
બેઠક દરમિયાન મંત્રીએ આદિજાતી વિકાસ વિભાગ, ગ્રામ વિકાસ, શ્રમ અને રોજગાર, આયોજન મંડળ, એટીવીટી, પાણી પુરવઠા, વાસ્મો, શિક્ષણ, આરોગ્ય, વીજ, માર્ગ મકાન, પશુ પાલન, કાયદો વ્યવસ્થા અને આર.ટી.ઓ સહિત કોવિડ સંબધીત સુવિધાઓની ઝીણવટભરી સમિક્ષા હાથ ધરી હતી.
સમય મર્યાદામાં કાર્યો પૂર્ણ થાય તેવી ખાતરી આપી
બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જિલ્લા વહીવટી તંત્ર વતી પ્રભારી મંત્રીનું સ્વાગત કર્યું હતું. જિલ્લાના વિકાસ કાર્યો-યોજનાઓથી મંત્રીને અવગત કરાવ્યાં હતા. કલેક્ટરે, મંત્રીની અપેક્ષાઓ મુજબ જિલ્લાના કાર્યો સમય મર્યાદામા પૂર્ણ થાય તેવી જિલ્લા પ્રશાસન વતી ખાતરી પણ આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.