વઘઇ-શામગહાન સ્ટેટ હાઈવે પર અકસ્માત ઝોન પર 1014.36 લાખના ખર્ચે માર્ગ મકાન વિભાગ દ્વારા રોલરક્રશ બેરીયર ગોઠવી દેતા વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે. ઘાટમાર્ગમાં અકસ્માત થતા વાહનો ખાઈમાં જતા અટકી જશે. આ કામગીરી શરૂ કરાતા વાહનચાલકો ને રાહત થઈ છે.
ડાંગ જિલ્લામાં તેમજ સાપુતારા ઘાટમાં અવારનવાર વાહનોના અકસ્માત થયા બાદ તેમજ ભારે વાહનોના બ્રેક ફેઇલ થતા વાહનો ડુંગર પરથી ઉડી ખાઈમાં ખાબકે છે. થોડાક દિવસ અગાઉ સાપુતારા ઘાટમાં 50 થી વધુ પ્રવાસીઓ ભરેલી ટ્રાવેલર્સ બસ પલ્ટી મારી ગઈ હતી. સાપુતારા ઘાટમાં રોજે રોજ છાશવારે અકસ્માતના બનાવો બને છે.
આ અકસ્માતો અટકાવવા અને મોટી જાનહાનિ નહીં થાય તેના માટે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા 1014.36 લાખના ખર્ચે વઘઇ-શામગહાન સ્ટેટ હાઈવે પર 11 અકસ્માત ઝોન પાસે રોલરક્રશ બેરીયર ટેકનોલોજીથી પ્રોટેક્શન વોલનું કામ વઘઇથી શરૂ થતા વાહનચાલકોને રાહત થઈ છે. વિદેશોમાં જોવા મળતું રોલર ક્રશ બેરીયર ડાંગના રસ્તા પર દેખાતાં લોકોમાં કુતુહૂલ જોવા મળ્યું હતું. ડાંગ જિલ્લામાં 2018 ની સરખામણી એ છેલ્લા ચાર વર્ષમાં અકસ્માતના બનાવમાં ઘટાડો થયો છે અને જિલ્લામાં વાર્ષિક સરેરાશ 25થી 30 લોકો અકસ્માતમાં ગંભીર ઇજાના કારણે મૃત્યુ પામે છે. જોકે, હવે રોલરક્રસ બેરિયરથી આગામી દિવસોમાં હજી પણ અકસ્માતમાં મૃત્યુઆંક નીચે જવાની શક્યતા છે.
રોલરક્રશ રબરના હોવાથી તેને અથડાઇ વાહન ખીણમાં જતુ અટકે છે
ડાંગના વઘઇથી સાપુતારા રોડ પર વઘઇ-શામગહાન વચ્ચે રોડ પર થતા અકસ્માતોને અટકાવવા માટે નવી ટેકનોલોજી રોલરક્રશ બેરીયરની કામગીરી ચાલી રહી છે. પહેલા અકસ્માત થતાં સીધા ડબલ્યુ ચેનલના એન્ગલ પર સીધો માર લાગતો હતો. જ્યારે આ રોલર ક્રશ બેરીયર પર અકસ્માત સમયે વાહનઅથડાતા તે ફરી જાય છે અને વાહનને રસ્તા પર ફેંકી દે છે.આ રોલર ક્રશ બેરીયર રબરના હોય તે વાહનને વધારે નુકસાન થવા દેતા નથી તેમજ વાહન ઊંડી ખાઈમાં જતું અટકી જાય છે અને મોટી દુર્ઘટના ટળી જાય છે. આગામી સમયમાં અન્ય વિસ્તારોમાં પણ આ પ્રોજેક્ટ ઉપયોગી બને રહે તેવી શક્યતા છે. > એસ.આર. પટેલ, એન્જિનિયર, માર્ગ મકાન સ્ટેટ હાઈવે, ડાંગ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.