પ્રકૃતિ ચારેકોર ખીલી ઉઠી:ડાંગ સાપુતારામાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી ઝાપટાં

આહવા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
સતત ત્રીજા દિવસે સાપુતારામાં વરસાદથી પ્રવાસીઓનો આનંદ બેવડાયો હતો. - Divya Bhaskar
સતત ત્રીજા દિવસે સાપુતારામાં વરસાદથી પ્રવાસીઓનો આનંદ બેવડાયો હતો.
  • વીજ પડતા એક પાડાનું મૃત્યુ એક ઇજાગ્રસ્ત, પૂર્ણાના પ્રવાહમાં ટ્રેકટરનું ટેન્કર તણાઇ ગયું

ડાંગ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી મહેરનું આગમન થતા સર્વત્ર પંથકો ચોમાસામય બની જવા પામ્યા હતા. રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં વહેલા ચોમાસાનું આગમન જોવા મળી રહ્યુ છે. ડાંગ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ મેઘો મહેરબાન થતા સર્વત્ર પંથકો પાણીની સોડમ સાથે મહેકી ઉઠ્યા હતા. ડાંગ જિલ્લામાં ગતરોજ મોડી સાંજે સુબિર તાલુકાનાં ગામડાઓમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે સવા બે ઈંચ જેટલો વરસાદ પડતા સર્વત્ર પાણી પાણીની રેલમછેલ ફરી વળી હતી. સાથે ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં પ્રથમ વખત પૂર્ણા નદી અધધ પ્રવાહ સાથે બન્ને કાંઠે થઈ વહેતી જોવા મળી હતી.

ગત રોજ વરસાદી માહોલ વચ્ચે સુબિર તાલુકાનાં પાદલખડી ગામનાં પશુપાલક સીવદાશભાઈ ભોયેનાં પશુધન પર આકાશી વીજળી પડવાથી તેમના એક પાડાનું મૃત્યુ નોંધાયુ હતુ. જ્યારે એક પાડો પશુ દવાખાનામાં સારવાર હેઠળ રખાયો છે. જ્યારે પીપલાઈદેવી ટાંકલીપાડા માર્ગમાં નદી પર પુલનાં કામ માટે મુકેલ ટ્રેકટરનું ટેન્કર પુર્ણા નદીનાં અધધ પ્રવાહમાં તણાયુ હતુ. રવિવારે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન, ગલકુંડ, બોરખલ, આહવા, સાકરપાતળ, વઘઇ, સુબિર, ચીંચલી સહિત પૂર્વપટ્ટી અને સરહદીય ગામડાઓમાં સમયાંતરે વીજળીનાં કડાકા ભડાકામાં ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક મધ્યમ વરસાદ વરસ્યો હતો.

ડાંગ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પડેલ વરસાદનાં પગલે ગામડાઓનાં આંતરિક માર્ગો, જાહેરમાર્ગો સહિત ખેડૂતોનાં ખેતરો ભીંજાયા હતા. ગિરિમથક સાપુતારા ખાતે સતત ત્રીજા દિવસે વાદળછાયા વાતાવરણની વચ્ચે વીજળીનાં કડાકા ભડાકામાં મેઘાની સવારી યથાવત રહેતા ફરવા આવેલ પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો. ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલનાં પગલે વાતાવરણ ઠંડુગાર બની ગયુ હતું.

અન્ય સમાચારો પણ છે...