સાપુતારામાં પ્રવાસીઓ ઉમટ્યાં:વરસાદ બાદ રમણીય વાતાવરણ માણવા દૂર-દૂરથી લોકો પહોંચ્યા; મોન્સૂન ફેસ્ટિવલે ચાર ચાંદ લગાવ્યા

ડાંગ (આહવા)2 મહિનો પહેલા

ગિરિમથક સાપુતારા ખાતે યોજાયેલ મેઘ મલ્હાર મોન્સૂન ફેસ્ટિવલમાં રંગારંગ કાર્યક્રમનો પ્રવાસીઓ ખૂબ મજા માણી રહ્યા છે. દિવસભર અનેક સ્પોર્ટ્સ એક્ટિવિટી બાદ સાંજે વિશાળ ડોમમાં યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સંગીતના તાલે પ્રવાસીઓ પણ ઝૂમી ઉઠે છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા રાજ્યના એકમાત્ર હવાખાવાનું સ્થળ સાપુતારા ખાતે સતત એક મહિનો ચાલનાર મેઘ મલ્હાર મોન્સૂન ફેસ્ટીલ પ્રવાસીઓમાં ધૂમ મચાવી રહ્યો છે. દિવસભર વિવિધ એડવેન્ચર એક્ટિવિટી સાથે સર્પગંગા લેક કાંઠે પાવરી વાદનની ધૂન અને લેક ગાર્ડનમાં ડાંગી નૃત્યનું સંગીત ઝરમર વરસાદ અને ધૂમમસિયા વાતાવરણમાં પ્રવાસીઓને ડોલાવી રહ્યું છે.

સ્થાનિક લોકોને રોજગાર પણ મળ્યો
સાંજે 7થી 9 વાગ્યા દરમિયાન બોટિંગ પાર્કિંગ પાસે આવેલ વિશાળ ડોમમાં વિવિધ સંગીતની ધૂન સાથેના પ્રવાસીઓની ફરમાઈશને માન આપી મનોરંજન પીરસવામાં આવે છે. મેઘ મલ્હાર ડોમ પારદર્શક ઓપ આપ્યો હોવાથી કાર્યક્રમની સાથે ઝરમર વરસાદ પણ જાણે પોતાનો પર્વ મનાવી રહ્યો હોય તેમ પ્રવાસીઓને પોતાની હાજરીનો અહેસાસ કરાવે છે. માત્રને માત્ર પ્રવાસીઓના મનોરંજનને ધ્યાને રાખવામાં આવેલ કાર્યક્રમમાં પ્રવાસીઓ પણ મગ્ન બની સંગીતને તાલે ઝૂમી મોન્સૂન ફેસ્ટિવલને યાદગાર સંભારણું બનાવી રહ્યા છે. જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની ભરમાર વચ્ચે ફેસ્ટિવલ દરમિયાન પ્રવાસીઓની સંખ્યામાં ઉતરોતર વધારો નોંધાતા નાના મોટા ધંધાર્થીઓને રોજગાર મળી રહ્યો છે. ચારેય તરફ લીલીછમ વનરાઈ ધરાવતા ડુંગરો ની વચ્ચે આવેલ સર્પગંગા તળાવમાં નૌકવિહાર નો લ્હાવો અનેરો હોય છે.

અન્ય સમાચારો પણ છે...