રાજ્યનાં છેવાડે આવેલ કોરોનામુક્ત ડાંગ જિલ્લામાં ફરીવાર એકલ દોકલ કોરોનાનાં કેસોએ માથુ ઉંચકતા સ્થિતિ ચિંતાજનક બની છે. થોડા દિવસ પૂર્વે ડાંગ જિલ્લામાં 1 કેસ નોંધાયો હતો, જે સારવાર હેઠળ છે. તેવામાં બુધવારે ગિરિમથક સાપુતારાની એકલવ્ય ગર્લ્સ હોસ્ટેલની 17 વર્ષીય વિદ્યાર્થિનીનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા વધુ તજવીજ હાથ ધરાઈ છે. ગિરિમથક સાપુતારામાં હાલમાં જ 30મી જુલાઈનાં રોજ મોન્સૂન મેઘ મલ્હાર પર્વનો દબદબાભેર પ્રારંભ થયો હતો.
સાપુતારાનાં મોન્સૂન ફેસ્ટિવલનાં ઉદઘાટન પ્રસંગે સાપુતારાની શાળાઓના બાળકો સહિત 29 દેશનાં પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મોન્સૂન ફેસ્ટિવલનાં પ્રારંભનાં ચોથા દિવસે જ સાપુતારામાં 1 કોરોનાનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1071 કેસ નોંધાયા છે, જેમાંથી 1069 કેસ રિકવર થયા છે. હાલની સ્થિતિએ ડાંગ જિલ્લામાં 2 કેસ એક્ટિવ હોય જે સારવાર હેઠળ રખાયા છે. ડાંગ જિલ્લામાં લાંબા સમય બાદ કોરોના સંક્રમણ ફેલાતા હવે જિલ્લા વહીવટીતંત્ર પણ સાબદુ બન્યું છે. અને આરોગ્ય િવભાગ દ્વારા સેમ્પલો લઇ તપાસ હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.