લાભાર્થીઓને લાભોનું વિતરણ:ડાંગ જિલ્લાના ગરીબ કલ્યાણ મેળાના 12 હજારથી વધુ લાભાર્થીઓને રૂ. 26.43 કરોડની રકમના લાભો એનાયત કરાયા

ડાંગ (આહવા)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લાના ગરીબ કલ્યાણ મેળાના 12 હજાર 233 લાભાર્થીઓને રૂ. 26 કરોડ 43 લાખની રકમના લાભો એનાયત કરાયા હતા. ગરીબ કલ્યાણ મેળાની અગત્યતા અને ઉપયોગિતાનો ખ્યાલ આપતા કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વર્ષ 2009માં માનનીય વડાપ્રધાને ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરી હતી. ગરીબ લોકોને આર્થિક રીતના પગભર કરવા માટે મેળામા સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામા આવી રહ્યો છે. આજે આ મેળાઓના કારણે ગરીબ, વાંચિત લોકો સુધી સરકારી યોજનાઓનો સીધો લાભ મળી રહ્યો છે. આજે જિલ્લામા શિક્ષણ, આરોગ્ય, જન કલ્યાણકારી યોજનાઓમાં સુધારો થઈ રહ્યો છે.

ગરીબ કલ્યાણ મેળાના 12 હજાર 233 લાભાર્થીઓને લાભો એનાયત
અગાઉના ગરીબ કલ્યાણ મેળાઓમાં જિલ્લાના કુલ 36 હજાર 846 લાભાર્થીઓને અંદાજિત રૂ. 227 કરોડ 63 લાખના લાભો એનાયત થઈ ચૂક્યા છે તેમ જણાવતાં પ્રમુખે 2022-23ના ગરીબ કલ્યાણ મેળા દરમિયાન કુલ 12 હજાર 233 લાભાર્થીઓને રૂ. 26 કરોડ 43 લાખની રકમના લાભો આપવામાં આવી રહ્યા છે તેમ જણાવ્યું હતું. ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદૃષ્ટિને કારણે ગુજરાતમાં શરૂ થયેલા ગરીબ કલ્યાણ મેળાને કારણે અનેક શ્રમજીવી પરિવારો સ્વરોજગારી ક્ષેત્રે પ્રવૃત્ત થઈને પગભર બન્યા છે. તેમ જણાવતાં ધારાસભ્ય વિજય પટેલે, રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણલક્ષી યોજનાઓની જાણકારી આપી હતી.

રૂ. 26 કરોડ 43 લાખની રકમના લાભો એનાયત કરાયા
કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિત સહિતના પદાધિકારીઓએ ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને લાભોનું વિતરણ કર્યું હતું. સાથે "પંચાયતી રાજની આગેકૂચ" નામક કોફી ટેબલ બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. જેના બાદ મહાનુભાવોએ સ્ટોલની મુલાકાત લીધી હતી.​​​​​​​ કાર્યક્રમના ભાગરૂપે રાજ્ય અને કેન્દ્ર સરકારની જુદી-જુદી કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓએ તેમના પ્રતિભાવો અને સફળ ગાથા પણ રજુ કરી હતી. તો રાજ્યકક્ષાના કાર્યક્રમનુ જીવંત પ્રસારણ પણ ઉપસ્થિત મહાનુભાવો તથા લાભાર્થીઓએ નિહાળ્યું હતું. જિલ્લાના તમામ વિભાગ દ્વારા કાર્યક્રમના સ્થળે આરોગ્ય જાગૃતિ, મતદાર જાગૃતિ, બેંક સહાય યોજના સહિત જુદી જુદી યોજનાઓની જાણકારી પ્રસ્તુત કરાઈ હતી.

કાર્યક્રમમાં કલેક્ટર ભાવિન પંડ્યા સહિત જિલ્લા વિકાસ અધિકારી ડૉ. વિપિન ગર્ગ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઇ જોષી, નાયબ વન સંરક્ષક દિનેશભાઇ રબારી સહિતના પ્રશાસનિક અધિકારીઓ, ભાજપાના મહામંત્રી હરિરામ સાવંત, શિક્ષણ સમિતિ અધ્યક્ષા શ્રીમતી નિલમ પટેલ, બાંધકામ સમિતિ અધ્યક્ષ ચંદરભાઈ ગાવિત સહિતના પદાધિકારીઓ, હોદ્દેદારો સહિત ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓ, સ્થાનિક પ્રજાપ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...