ડાંગ જિલ્લા પંચાયતનાં વઘઇ જિલ્લા સીટનાં જિલ્લા સદસ્ય અને શિક્ષણ સમિતિનાં સભ્ય હરીશભાઈ બચ્છાવે થોડા દિવસ પૂર્વે ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા કેળવણી નિરીક્ષકોનાં ગેરરીતિ અંગેનાં આક્ષેપો સાથે જિલ્લા વિકાસ અધિકારીને અરજ ગુજારી હતી. આ સાથે આ અરજીમાં ડાંગ જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શિક્ષણ સમિતિનાં શિક્ષણાધિકારીનાં મેળાપણામાં ત્રણેય તાલુકાનાં કેળવણી નિરીક્ષકો શાળાઓની ગ્રાંટમાંથી ઉઘરાણી કરતા હોવાનાં આક્ષેપો સાથે વિજિલન્સ તપાસની માંગણી કરી હતી.
જિલ્લા સદસ્ય હરીશભાઈ બચ્છાવનાં આક્ષેપોથી વાજ આવીને 7 જેટલા એચટાટ ઇન્ચાર્જ કેળવણી નિરીક્ષકોમાં ધનસુખભાઈ પટેલ, વિજયભાઈ ગાયકવાડ, નવનીતભાઈ પટેલ, નીતિનભાઈ પટેલ, પ્રગ્નેશભાઈ પટેલ, મોહમ્મદ ઇબ્રાહિમ કુરેશી, સુધાકરભાઈ પાટીલે મંગળવારે જિ. પ્રા. શિક્ષણાધિકારી સહિત જિલ્લા વિકાસ અધિકારી ડાંગને રાજીનામાં ધરી દઇ તે સ્વીકારવા અરજ ગુજારી જણાવ્યું છે કે ડાંગ જિલ્લામાં એચટાટ મુખ્ય શિક્ષક તરીકે શાળાની કામગીરી ઉપરાંત તાલુકાની શૈક્ષણિક અને વહીવટી કામગીરી નિષ્ઠાપૂર્વક અને નિસ્વાર્થભાવે કરતા આવ્યા છે
પરંતુ જિલ્લા સદસ્ય અને શિક્ષણ સમિતિનાં સભ્ય હરીશભાઇ બચ્છાવ દ્વારા તેમની ઉપર શાળાઓની ગ્રાંટમાંથી ઉઘરાણીનાં પાયાવિહોણા આક્ષેપો કરી અમને બદનામ કરવાનાં પ્રયાસો કરવામાં આવે છે. વધુમાં ચીંચલીનાં ઇન્ચાર્જ કેળવણી નિરીક્ષક મોહમ્મદ કુરેશીને કોઈપણ પ્રકારનાં વાંક કે ગુના, નોટિસ અથવા ખુલાસા વગર શિક્ષણ સમિતિની બેઠકમાં હરીશભાઈ બચ્છાવની રજૂઆતને ધ્યાનમાં રાખી કેળવણી નિરીક્ષકનાં ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, જે નિયમ વિરુદ્ધ છે. સત્તાધારી નેતાનાં ગજગ્રાહમાં કેળવણી નિરીક્ષકને જિલ્લા પંચાયત દ્વારા એકપણ તક આપવામાં આવી નથી.
રાજીનામા બાબતે આખરી નિર્ણય શિક્ષણ સમિતિ લેશે
ડાંગ જિલ્લાનાં ત્રણેય તાલુકાનાં 7 કેળવણી નિરીક્ષકોનાં સામૂહિક રાજીનામાની અરજી મને મળી છે. આ સામૂહિક રાજીનામા અંગેની દરખાસ્ત શિક્ષણ સમિતિમાં મુકાશે. આ બાબતે શિક્ષણ સમિતિ દ્વારા આખરી નિર્ણય લેવામાં આવશે. - એમ.સી.ભુસારા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, ડાંગ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.