બાળ મજુરી નાબુદી અંગે શિબિર:આહવાની તાલુકા શાળામાં બાળ મજુરી નાબુદી અંગે વકીલો દ્વારા કાયદાકીય માહિતી આપવામાં આવી

ડાંગ (આહવા)22 દિવસ પહેલા
  • કૉપી લિંક

આ શિબિરમા શાળાના બાળકોને કાયદાના નિષ્ણાંત ધારાશાસ્ત્રીઓ દ્વારા બાળ મજુરી નાબુદી અંગેની કાયદાકીય જાણકારી આપવામા આવી હતી. દરમિયાન તાલુકા લીગલ સર્વિસ કમીટીના સભ્ય અશ્વિન વેરીયા દ્વારા બાળ નાબુદી કાર્યક્રમ અંગેની જાણકારી આપતા જણાવ્યુ હતું કે, ભારતીય બંધારણના અનુચ્છેદ 14, 15 અને 21ની જોગવાઇઓ મુજબ, ભારતમા વસવાટ કરતા બાળકોને સમાન અધિકારો આપવામા આવ્યા છે. અનુચ્છેદ 15 મુજબ બાળકોના સંવર્ધન, ઉદ્ધાર, રક્ષણ અને ભરણ પોષણ માટે અલગ કાયદાઓ ઘડતા રાજ્યોને રોકી શકાય નહી. સંયુક્ત રાષ્ટ્રના બાળ અધિકારો અંગેના સમજુતી પત્રમા માનસિક અપરિપક્વતા ધરાવનાર બાળકોને ધ્યાને લઇ, તેમના કાનુની રક્ષણ માટે ભારપુર્વક ઠરાવો કરવામાં આવ્યા છે.

12મી જુનને વિશ્વ બાળ મજુરી વિરોધ દિવસ તરીકે ઉજવવામા આવે છે. અનુચ્છેદ 21 મુજબ બાળકોને પ્રાથમિક શિક્ષણ ફરજિયાત અને મફત પુરૂ પાડવાની જોગવાઈ કરવામા આવી છે. બાળકને કોઇ વ્યક્તી કામે રાખે તો તેને પ્રથમ ગુના માટે એક વર્ષ સુધીની કેદની સજા અથવા વીસ હજાર રૂપિયાના દંડની જોગવાઇ છે. એમ પણ તેમણે વધુમા જણાવ્યુ હતુ.

આહવા શાળામા યોજાયેલા બાળ મજુરી નાબુદી શિબિરમા વકીલો દ્વારા અલગ અલગ કાયદાઓ વિશે માહિતી આપવામા આવી હતી. આ શિબિરમા 100 થી વઘુ બાળકો તેમજ શિક્ષક ગણ, પ્રિન્સિપાલ તથા તાલુકા કાનુની સેવા સમિતીના સભ્યો, સરકારી વકિલ એસ.એચ.કોંકણી, પેનલ એડવોકેટ એસ.સી.બારે, સુપ્રિન્ટેન્ડ, તાલુકા કાનુની સેવા સમિતિના એ.જી.વરીયા, એડવોકેટ અશોક જગતાપ તથા શૈલેષ ગાવિતે બાળકોને લગતા કાયદાઓથી માહિતગાર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...