કામગીરી:ડાંગમાં આજથી શરૂ થશે ‘કરૂણા અભિયાન', ઘાયલ પશુપક્ષીઓની સારવાર-સુશ્રુષા માટે તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજયના છેવાડે આવેલા વનાચ્છાદિત ડાંગ જિલ્લામા 10થી 20 જાન્યુઆરી દરમિયાન ચાલનારા ‘કરૂણા અભિયાન'ને અસરકારક બનાવી મૂંગા પશુ-પક્ષીઓના જીવન બચાવામાં સૌને પરસ્પર સંકલન સાથે કામગીરી હાથ ધરવાની ડાંગ કલેક્ટર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ હિમાયત કરી છે. પ્રતિવર્ષ ઉત્તરાયણના તહેવારો સાથે યોજાતા 'કરૂણા અભિયાન'દરમિયાન ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર અને સુશ્રુષા ઉપર રાજય સરકાર દ્વારા વિશેષ લક્ષ કેન્દ્રિત કરીને ‘જીવદયા'ની ભાવના જગાવવામા આવે છે.

આ વર્ષે પણ 10થી 20 જાન્યુઆરી દરમિયાન ‘કરૂણા અભિયાન'ના ભાગરૂપે ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકા આહવા, વઘઇ અને સુબીરમાં ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર સાથે વિશેષ ટીમની રચના કરી કામગીરી હાથ ધરવામાં આવશે. આહવા તાલુકામાં પશુ દવાખાનુ-આહવા (નં. 97249 86604, 94088 06614), વઘઈ તાલુકા માટે પશુ દવાખાનું વઘઇ (સંપર્ક નં. 97268 50248, 94272 38513) તથા સુબીર તાલુકા માટે પશુ દવાખાનુ-સુબીર (સંપર્ક નં. 82008 55988, 94265 01366) જાહેર કરાયા છે. આ નંબરો ઉપર જિલ્લાના પ્રજાજાનો ઘાયલ પશુ-પક્ષીઓ વિશેની જાણકારી સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી આપી શકે છે.

‘કરૂણા અભિયાન' અંતર્ગત આયોજિત બેઠકને સંબોધતા કલેક્ટર જાડેજાએ ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર-સુશ્રુષા માટે સ્થાનિક વન વિભાગના સંકલન સાથે આ અભિયાન અંગે વ્યાપક જનજાગૃતિ કેળવવા અર્થે શિક્ષણ વિભાગના સહયોગ સાથે શાળા કક્ષાએ જનજાગૃતિ કાર્યક્રમો, હોર્ડિંગ્સ-બેનર્સ પ્રદર્શિત કરવા જેવા મુદ્દે ઉપયોગી માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.

આ સાથે જિલ્લામાં ચાઈનીઝ માંજો, પતંગ, તુક્કલ વગેરેના ઉપયોગ ઉપર રોક લગાવવા પોલીસ વિભાગ સઘન કાર્યવાહી કરી રહી છે, જેમા સૌને જાગૃતિ સાથે સહયોગી બનવાની અપીલ કરી હતી. ડાંગ જિલ્લા સેવા સદનમાં યોજાયેલી ‘કરૂણા અભિયાન'ની બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર પી.એ.ગાવિત, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ પાટીલ, એસીએફઓ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. બેઠકનુ સંચાલન પશુપાલન અધિકારી હર્ષદ ઠાકરેએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...