દિલ્હી ખાતે સરિતા ગાયકવાડનું સન્માન:કમલા પાવર વુમન્સ એવોર્ડ-2023માં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે દેશની 75 મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું

ડાંગ (આહવા)9 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે દિલ્હી ખાતે અંકીબાઈ ઘમંડીરામ ગોવાની ટ્રસ્ટના નિદર્શના ગોવાની દ્વારા મંગળવાર તારીખ 14 માર્ચના રોજ કમલા પાવર વુમન્સ એવોર્ડ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશમાંથી વિવિધ પ્રવૃતિઓમાં નામના મેળવનારી 75 જેટલી પ્રતિભાશાળી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં રમત ક્ષેત્રે દેશ અને દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરનાર આદિવાસી સમાજની શાન અને ગોલ્ડનગર્લ તરીકે જાણીતી ડાંગ જિલ્લાની સરિતા ગાયકવાડનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે દેશભરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા વિશ્વમાં રોશન કરનારી મહિલાઓને સન્માનિત કરીને અન્યને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. જેમાં ડાંગ જિલ્લાના નાનકડા કરાડીઆંબા ગામની આદિવાસી દીકરી જેણે અથાગ મહેનત કરી દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. જેને લઈને ડાંગ સહિત આદિવાસી સમાજનું ગૌરવ વધ્યું છે. ડાંગ જિલાના એવા આદિવાસી વિસ્તાર કે જ્યાં જીવન જરૂરિયાત માટેની પ્રાથમિક સુવિધા પણ ન હતી. ત્યાંથી એક ગરીબ પરિવારમાં ઉછરેલી દીકરીએ તેના ગામનું, સમાજનું અને સાથે દેશનું નામ વિશ્વમાં રોશન કર્યું તે સરિતા ગાયકવાડની નોંધ હવે દેશની તમામ સંસ્થા લઈ રહી છે.

સરિતા ગાયકવાડે વિશ્વ મહિલા દિવસ માટે દેશની તમામ મહિલાઓને મેસેજ આપ્યો હતો કે, જીબનમાં સંઘર્ષ તો કરવોજ પડે, અનેક મુશ્કેલીઓ પણ આવશે પણ તેનાથી ઘભરાઈ કે નાસીપાસ થવાના બદલે તેની સામે સખત મહેનત કરી કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવી શકાય છે. લોકોને પોતાના અનુભવોની વાતો કરતા સરિતા ગાયકવાડે કહ્યું હતું કે જો મહેનત કરીએ તો સફળતા ચોક્કસ મળે છે.

કેન્દ્રના વિદેશ અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખી, રેલ્વે અને કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોશ, અર્જુન રામ મેઘવાલ, રાજ્ય મંત્રી, ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ લીલા દેવી સહિત આગેવાનોની હાજરીમાં કમલા ગ્રુપ ઓફ કંપનીઝના મેનેજિંગ ડિરેક્ટર નિદર્શના ગોવાનીએ જણાવ્યું હતું કે, આજે મહિલાઓ જીવનના તમામ ક્ષેત્રોમાં સફળ થઈ છે. આજે અમે જે મહિલાઓને સન્માનિત કરી છે તે આજના પરિવર્તનના નવા યુગની મહિલાઓ છે. જે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રેરણા રૂપ છે. અવરોધો અને મુશ્કેલીઓનો સામનો કરીને તેઓને ઉત્સાહપૂર્વક કામ કર્યું છે. દેશ માટે આપેલા યોગદાન માટે હું દરેકનો આભાર માનું છું.

અન્ય સમાચારો પણ છે...