ભીના ભીના વરસાદી વૈભવ વચ્ચે જ્યારે ગિરિમથક સાપુતારાનુ સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. ત્યારે સહ્યાદ્રિની આ ગિરિકન્દ્રાઓ કાશ્મીરની વાદીઓથી જરા પણ ઉતરતી ભાસતી નથી. તેમ સાપુતારાની સુંદરતાનુ વર્ણન કરતા રાજ્યના પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પુર્ણેશભાઈ મોદીએ 'મેઘ મલ્હાર પર્વ 2022'ના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યુ હતુ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લાના ચોમાસાના માહોલને માણવા સાથે મેઘ મલ્હાર પર્વનુ સુભગ મિલન થતા અહીં સોનામા સુગંધ ભળી છે. તેમ જણાવતા મંત્રીએ પ્રકૃતિ સાથે પ્રગતિનો સુમેળ સાધીને રાજય સરકારે સાપુતારા સહિત સહ્યાદ્રિની ગિરિમાળામાં આવેલા દરેકે દરેક નૈસર્ગીક સ્થળોએ, પર્યટકોને માટે જરૂરી એવી સુખ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી તેમના અહીંના પ્રવાસને જીવનભરનુ સંભારણુ બનાવવાની તક પુરી પાડી છે.
જ્યા પ્રભુ શ્રી રામે ભ્રાતા લક્ષ્મણ સાથે વિચરણ કર્યું હોય, પાંડવોએ પણ અહીં આશ્રય લીધો હોય, અને માં શબરીએ પ્રભુ શ્રી રામની પ્રતિક્ષામાં જ્યા આયખુ પૂરુ કર્યું હોય. તેવી આ દંડકારણ્યની પાવન ભૂમિમા આજે આપણે, એક પૌરાણિક સંસ્કૃતિ, પ્રકૃતિ અને પ્રગતિના ત્રિવેણી સંગમમાં સ્નાન કરી રહ્યા છે. દેશની અને રાજ્યની સરકારે આવા પાવન સ્થળોના વિકાસ માટે કમર કસી છે.
ગિરિમથક સાપુતારા સહિત ડાંગ જિલ્લાને અનોખી ઓળખ આપતા ગીરા અને ગિરમાળ વોટરફોલ, પંપા સરોવર અને શબરી ધામ, કળમ્બડુંગર, ડોન, અંજનકુંડ, પાંડવ ગુફા, માયાદેવી, તુલશિયાગઢ, મહાલ-કિલાદ અને દેવીનામાળ જેવી ઇકો ટુરિઝમ કેમ્પ સાઈટ, બોટાનીકલ ગાર્ડન અને નેશનલ પાર્ક જેવા આકર્ષણો પ્રવાસીઓને ડાંગ તરફ આકર્ષી રહ્યા છે. ત્યારે અહીં પ્રવાસન પ્રવૃતિઓના વિકાસ સાથે સ્થાનિક રોજગારી સર્જનને પણ રાજ્ય સરકારે નવી દિશા દેખાડી છે.
સાપુતારાના સર્વાંગી વિકાસને ધ્યાને લેતા અહીં એક ડાંગ ટુરિસ્ટ સર્કિટ વિકસાવવાનુ પણ વિચારાધીન છે. તેમ જણાવતા મંત્રીએ રાજ્યના સૌથી હરિયાળા પ્રદેશ એવા ડાંગ જિલ્લાના ઐતિહાસિક-સાંસ્કૃતિક વારસો ધરાવતા પ્રવાસન સ્થળોને સાંકળી લઈને આગામી ત્રણ વર્ષમાં આ ટુરિસ્ટ સર્કિટ વિકસાવવમા આવશે તેમ કહ્યુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.