ડાંગ જિલ્લાનાં શામગહાન રેંજનાં ભાપખલ વિસ્તારમાં મરઘા સહિત પાલતુ વાછરડીનું મારણ કરનાર દીપડો આખરે પાંજરે પુરાયો હતો. દક્ષિણ ડાંગ વન વિભાગમાં સમાવિષ્ટ શામગહાન રેંજમાં લાગુ ભાપખલ ગામ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી દીપડાએ આંતક મચાવ્યો હતો.
આ દીપડાએ ભાપખલ ગામનાં 15થી વધુ મરઘા અને એક વાછરડીનું મારણ કરી ભયનો માહોલ ઉભો કર્યો હતો. જેથી ગ્રામજનોએ આ દીપડાને પાંજરે પુરવા માટે શામગહાન રેંજમાં અરજી આપી હતી. ભાપખલ ગામનાં ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં લઈ શામગહાન રેંજનાં આરએફઓ પ્રસાદ પાટીલની ટીમે આ દીપડાને પકડવા માટે ગામ નજીકનાં જંગલ વિસ્તારમાં પાંજરૂ ગોઠવ્યું હતું.
ગતરોજ રાત્રિનાં અરસામાં આ દીપડો રેંજ વિભાગનાં પાંજરામાં પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. હાલમાં શામગહાન રેંજનાં આરએફઓ પ્રસાદ પાટીલની ટીમે આ દીપડાને અન્ય સ્થળે છોડવાની કામગીરી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.