ગિરિમથક સાપુતારામાં સ્પોર્ટ્સ રાઈડ બાઈક ચાલકે વિદ્યાર્થિનીને અડફેટમાં લેતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વહેતો થયો હતો. રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનું એકમાત્ર ગિરિમથક સાપુતારા પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત છે. હાલમાં શિયાળાની કડકડતી ઠંડીમાં પણ ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ગિરિમથક સાપુતારાના જોવાલાયક સ્થળોએ છેલ્લા ઘણાં સમયથી ગેરકાયદેસર રીતે સ્પોર્ટ્સ બાઈક સહિત બાઈસિકલ એક્ટિવિટીઓ ધમધમી ઉઠી છે.
આ પરવાનગી વગરની રાઈડો ફરવા આવેલ પ્રવાસીઓ માટે જીવલેણ સાબિત થઇ છે. સાપુતારાના ટેબલ પોઈંટ, સનરાઈઝ પોઈંટ તેમજ બોટીંગનાં સ્થળોએ ધમધમતી સ્પોર્ટ્સ બાઇકો ફરવા આવેલ પ્રવાસીઓનાં સુરક્ષાની ચિંતા વગર પૂરપાટવેગે દોડતી હોવાનો વિડીયો શુક્રવારે સોશિયલ મીડિયામાં વહેતો થયો હતો. શુક્રવારે ગિરિમથક સાપુતારામાં એક શાળાનાં વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવાસ અર્થે આવ્યા હતા. અહીં એક વિદ્યાર્થીએ બોટીંગ પાસે સ્પોર્ટ્સ રાઈડની બાઈક ચલાવવા માટે લીધી હતી.
અહીં વિદ્યાર્થીએ સ્પોર્ટ્સ બાઈકનું વધુ એક્સીલેટર આપી દેતા બાઈક પરનો કાબૂ ગુમાવી દેતા તેણે પોતાની જ શાળાની વિદ્યાર્થિનીને અડફેટમાં લઈ અકસ્માત સર્જ્યો હતો. અહીં વિદ્યાર્થિનીને નજીવી ઈજા પહોંચતા મોટી દુર્ઘટના ટળી હતી. આ અકસ્માતનો વિડીયો વાયુવેગે સોશિયલ મીડિયામાં વહેતો થયો હતો. આ બનાવમાં કોઈને ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું ન હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.