લાભાર્થીઓ પરેશાન:ડાંગ જિલ્લામાં મનરેગા યોજનામાં કૂવાઓના કામ અધૂરા છોડાયા

આહવા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાર વર્ષ અગાઉ મંજૂર થયેલા કામો ન થતા લાભાર્થીઓ પરેશાન

ડાંગ જિલ્લામાં 4 વર્ષ અગાઉ નરેગા યોજના હેઠળ ખેડૂતોએ કૂવાનું કામ કર્યા બાદ તે કામ અધુરુ જ રહી જતા લાભાર્થી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ડાંગ જિલ્લામાં સરકારની નરેગા યોજના હેઠળ ગ્રામ પંચાયત અને ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ખેડૂતોની જમીનમાં કૂવા ખોદી આપવાની યોજના મૂકી આ યોજનામાં કૂવા ખોદનાર ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરાઈ હતી.

આ જાહેરાતને ધ્યાને રાખી ડાંગમાં હજારો ખેડૂતોએ પોતાની જમીનમાં 8 થી 10 ફૂટ જેટલા કૂવાનું ખોદકામ કરાયું છે જે બાદ લાભાર્થી ખેડૂતોને લાભ અપાયો નથી તેમજ કૂવાના બાંધકામ માટે એજન્સી થકી સિમેન્ટ પૂરું પાડવાની યોજના હતી પરંતુ જે તે એજન્સી એ સરકારમાંથી સિમેન્ટની ગ્રાન્ટ વટાવી લઇ ખેડૂતોને સિમેન્ટ પૂરી પાડી નથી. હવે સિમેન્ટના ભાવ વધી ગયા છે એટલે જુના ભાવમાં સિમેન્ટ કઈ રીતે આપી શકીએ એવા એજન્સી દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવે છે.

લાભાર્થીઓના જણાવ્યા પ્રમાણે જેની પાસે સિમેન્ટ આપવાની એજન્સી હતી તે એજન્સીના સંચાલકોએ ખેડૂતોનું સિમેન્ટ લોકલ નેતાઓ પોતાના બંગલા બાંધવામાં વાપર્યો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે. ખેડૂતોએ તેમની મહામૂલી ખેતીની જમીનમાં કૂવા ખોદયા છે પરંતુ કૂવાનું કામ તો ટલ્લે ચડ્યું છે. ખેડૂતો આ કૂવામાંથી પિયત કરી શકતા નથી કે આ જમીનમાં ખેતી કરી શકતા નથી તેવી સ્થિતિમાં મુકાયા છે. ડોન ગામના મહિલા લાભાર્થી સબીબેન આનંદભાઈ ગાયકવાડે લોકપાલ આયોગને ફરિયાદ કરી કૂવાનું અધૂરું કામ સત્વરે પૂરું કરાઇ તેવી માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...