રજૂઆત:ડાંગના શામગહાનમાં ગુજરાતી પ્રાથમિક શાળાનાં આચાર્યાની બદલી નહીં થાય તો તાળાબંધી કરાશે

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્ય શાળાઓમાં પ્રવેશ લેતા બાળકોને પ્રમાણપત્ર કાઢી નહીં આપી હેરાનગતિ કરાઈ રહી હોવાની રાવ

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ગુજરાતી પ્રાથમિક શાળા શામગહાનની વિવાદિત આચાર્યા રોશની પટેલની બદલી જો ઉઘડતા સત્ર પહેલા નહીં કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા તાળાબંધી સહિત ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ડાંગ જિલ્લાનાં આદિવાસી બાળકોને પાયાનું શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકાર ચિંતિત બની છે. બીજી તરફ રાજ્ય સરકારનાં એચ-ટાટ આચાર્યો સરકારનાં નીતિ નિયમોનાં ધજીયા ઉડાવી રહ્યા છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ ડાંગ જિલ્લાનાં ગુજરાતી પ્રાથમિક શાળા શામગહાનમાં જોવા મળી રહ્યું છે.

ગુજરાતી પ્રાથમિક શાળા શામગહાનનાં આચાર્યા રોશની પટેલનાં અણઘડ વહીવટનાં પગલે આદિવાસી બાળકોનાં શૈક્ષણિક ભાવિ પર પ્રશ્નાર્થ મૂકાયો છે. શામગહાન શાળાનાં આચાર્યા રોશની પટેલ દ્વારા એડમિશન સહિત અન્ય શાળાઓમાં પ્રવેશ લેતા બાળકોને શાળામાંથી પ્રમાણપત્ર કાઢી નહીં આપી મોટી હેરાનગતિ કરાઈ રહી હોવાની રાવ ઉઠી છે.

આ શાળાના આચાર્યા વાલીઓ, ગ્રામજનો સહિત આગેવાનો જોડે ઉદ્ધતાઈભર્યું વર્તન કરી શિક્ષણનાં વ્યવસાયને લજવી રહ્યાં છે. શાળાના આચાર્યાનાં અણઘડ વહીવટ અને બેજવાબદાર વર્તનનાં પગલે સ્થાનિક વાલીઓ સહિત ગ્રામજનો પણ તોબા પોકારી ઉઠ્યા છે.

આચાર્યાના અણઘડ વહીવટથી વાજ આવીને એક મહિના પૂર્વે ગ્રામજનોએ ડાંગ જિલ્લા વિકાસ અધિકારી સહિત જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી બદલીની માંગ કરી હતી. વધુમાં આ શાળાનાં વિવાદિત આચાર્યાની અન્યત્ર બદલી નહીં કરવામાં આવે તો આવનાર દિવસોમાં ગ્રામજનો દ્વારા શાળાની તાળાબંધી સહિત ધરણાં પ્રદર્શનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

જે આવેદનપત્રને આજે એક મહિનો જેટલો સમય વિતી જવા છતાં આ વિવાદિત આચાર્યા સામે કોઈ પગલાં નહીં ભરાતા ઉઘડતા સત્રએ ગ્રામજનો દ્વારા તાળાબંધી સહિત ધરણાં પ્રદર્શન કરશે એવી ચીમકી ઉચ્ચારી છે. તંત્ર આ વિવાદીત આચાર્યા સામે કેવા પગલાં ભરશે તે સમય જ બતાવશે.

ગાંધીનગર મોકલાવેલા અહેવાલનો હજુ જવાબ મળ્યો નથી
ગુજરાતી પ્રાથમિક શાળા શામગહાનનાં આચાર્યા રોશનીબેન પટેલ વિરુદ્ધ ગ્રામજનોએ એક મહિના પૂર્વે આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રનાં સંદર્ભે અમોએ સ્થળ પર રૂબરૂ તપાસ કરી વાલીઓ તથા ગ્રામજનોનાં નિવેદનો નોંધી શિક્ષણ નિયામક ગાંધીનગર અહેવાલ મોકલ્યો છે. જે અહેવાલનો હજુ સુધી જવાબ મળ્યો નથી. - એમ.સી.ભુસારા, પ્રાથમિક શિક્ષણાધિકારી, ડાંગ જિલ્લા

વાલીઓ કે એસએમસી કમિટીને આચાર્યા ગણકારતી નથી
ગુજરાતી પ્રાથમિક શાળા શામગહાનનાં આચાર્યા, વાલીઓ કે એસ.એમ.સી કમિટીને કઈ પણ ગણકારતી નથી. ગ્રામજનો જોડે ઉદ્ધાતાઈપૂર્વક વર્તન કરે છે. શાળામાંથી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર પણ કાઢી આપતી નથી. આચાર્યાની બદલી અંગે ગ્રામજનોએ એક મહિના પહેલા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. જેને એક મહિનો થઈ ગયો હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જો ઉઘડતા સત્ર પહેલા આ આચાર્યાની બદલી નહીં કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા ધરણાં સહિત શાળાની તાળાબંધી કરવામાં આવશે. - હિરાજભાઈ ગાવિત, આગેવાન, શામગહાન​​​​​​​

અન્ય સમાચારો પણ છે...