અનરાધાર વરસાદ:ડાંગમાં ભારે વરસાદથી 20થી વધુ કોઝ વે પાણીમાં, 30થી વધુ ગામો સંપર્ક વિહોણા

આહવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અતિભારે વરસાદને કારણે ડાંગમાંથી નીકળતી નદીઓએ રૂદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. - Divya Bhaskar
અતિભારે વરસાદને કારણે ડાંગમાંથી નીકળતી નદીઓએ રૂદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
  • 24 કલાકમાં આહવામાં 12.36 ઇંચ અને વધઈમાં 12.75 ઇંચ, 1 નું મોત

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં રવિવારે સતત ત્રીજા દિવસે અનરાધાર વરસાદ તૂટી પડતા નીચાણવાળા 20 થી વધુ કોઝવેકમ પુલો ધસમસતા પાણીનાં ઊંડા પ્રવાહમાં ગરક થઈ જતા 30થી વધુ ગામડાઓ જિલ્લાનાં વહીવટી મથકેથી સંપર્ક વિહોણા બન્યા હતા. રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં ગામડાઓને છેલ્લા ત્રણ દિવસથી વરસાદી તાંડવે ઘમરોળતા 30થી વધુ ગામડાઓનું જનજીવન પ્રભાવિત થયુ હતુ.

ડાંગ જિલ્લામાં સતત ત્રીજા દિવસે અનરાધાર વરસાદ પડતા લોકમાતાઓમાં અંબિકા, ખાપરી, પુર્ણા અને ગીરા નદી તથા જંગલ વિસ્તારમાં આવેલ કોતરડા, ઝરણાઓ અને વહેળાઓ સહિત જળધોધ રોદ્ર સ્વરૂપ ધારણ કરી ગાંડાતુર બન્યા હતા. ડાંગ જિલ્લામાં મુશળધાર વરસાદને પગલે જિલ્લાનાં 20થી વધુ આંતરીક માર્ગો અને લો લેવલ કોઝવે કમ પુલો ઉપર પાણી ફરી વળતા આ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા.

ડાંગ જિલ્લાનાં (1) સતી-વાંગણ-કુત્તરનાચ્યા કોઝવે (2)બોરખલ-ગાયખાસ-ચવડવેલ કોઝવે (3) ભવાનદગડ-ધુલચોન્ડ-આમસરવળણ કોઝવે (4) બારીપાડા-રાનપાડા-ભાપખલ કોઝવે (5) ચીકટિયા-ગાઢવી કોઝવે (6) કાકડવિહીર-ખેરીન્દ્રા-ચમારપાડા કોઝવે (7) ઢાઢરા વી.એ.રોડ કોઝવે (8) આંબાપાડા વી.એ.રોડ કોઝવે (9) ખાતળ ફાટક થી ઘોડી રોડ કોઝવે (10) કુડકસ-કોશિમપાતળ કોઝવે, (11) સુસરદા વી.એ.રોડ કોઝવે, (12) ચીખલદા વી.એ.રોડ કોઝવે (13) આહેરડી-બોરદહાડ કોઝવે (14) નાનાપાડા-કુમારબંધ-બોરદહાડ કોઝવે (15) માછળી-ચીખલા-દિવડયાવન કોઝવે (16) વાંઝટઆંબા-કોયલીપાડા કોઝવે અને (17) ઘોડવહળ વી.એ.રીડ કોઝવે (18)પીપલદહાડ જોગથવા કોઝવે (19) સિંગાણા-ધૂલદા કોઝવે (20) બંધપાડા વી.એ રોડ કોઝવે રવિવારે દિવસ દરમ્યાન ધસમસતા ઊંડા પાણીનાં પ્રવાહમાં ગરક થઈ જતા 30થી વધુ ગામડા વહીવટી મથકેથી સંપર્ક વીહોણા બન્યા હતા.

ડાંગ જિલ્લામાં રવિવારે ભારે વરસાદને પગલે કાસવદહાડ-સુંદા વચ્ચે વીજ લાઈન પર વૃક્ષ ધરાશાઈ થઈ તૂટી પડતા વીજળી ડુલ થઈ હતી. ભારે વરસાદને પગલે જિલ્લાનાં પીંપરી ગામનાં પશુપાલક અનિલભાઈ ગંસુભાઈ વળવીની એક ગાય ઉપર નળિયાવાળો શેડ તૂટી પડતા તેનુ મૃત્યુ નીપજ્યુ છે. ડાંગનાં શામગહાનથી સાપુતારાને જોડતા જ્યારે ભારે વરસાદનાં પ્રવાહમાં ડાંગનાં સેન્દ્રીઆંબા ખાતે નાળુ પસાર કરી રહેલા દંપતીમાંથી સુમનબેન રાજુભાઈ રે.ધવલીદોડનું તણાઈ જવાથી મોત નીપજ્યુ છે.

આ તણાઈ ગયેલ મહિલાની લાશ મળી જતા તંત્રએ રાહત મેળવી છે. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર શનિવારે સાંજે 6 વાગ્યાથી રવિવારે સાંજે 6 વાગ્યા સુધીનાં 24 કલાક દરમ્યાન આહવા પંથકમાં 309 મિમી અર્થાત 12.36 ઈંચ, સાપુતારા પંથકમાં 147 મિમી અર્થાત 5.88 ઈંચ, સુબિર પંથકમાં 212 મિમી અર્થાત 8.48 ઈંચ, જયારે સૌથી વધુ વઘઇ પંથકમાં 318 મીમી અર્થાત 12.72 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...