ડાંગ જિલ્લામાં ફાગણ માસમાં ગાજવીજ સાથે માવઠું પડતાં અષાઢી માહોલ સર્જાયો હતો. ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલ ગાયગોઠણ ગામે આકાશી વીજળી પડતાં એક બાઇક સવારનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે એક ગંભીર રીતે દાઝી જતા આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ હવામાન વિભાગે આપેલ આગાહી બાદ ડાંગ જિલ્લામાં શુક્રવારે વાવાઝોડા સાથે તુટી પડેલા કમોસમી માવઠાને પગલે ભારે ખાના ખરાબી સર્જાઈ હતી. આહવા સુબીર માર્ગ ઉપર આવેલ ગાયગોઠણ ગામ નજીક બેહદુન ગામના સુનિલ મોટરસાયકલ ઉપર પસાર થઈ રહ્યા હતા. તે વેળા આકાશી વીજળી પડતાં સુનિલનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. જ્યારે પાછળ બેસેલ ગભીર રીતે દાઝી જતાં તેમને આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું હતું.
શુક્રવારે બપોરે અચાનક ભારે ગાજવીજ અને બરફના કરાં સાથે તુટી પડેલા માવઠાથી આંબાની મંજરી, ઘઉં, ચણા, શાકભાજી, સ્ટ્રોબેરી, દ્રાક્ષ જેવા પાકોને વ્યાપક નુકશાન થતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. બરફ વર્ષાના કારણે ગિરિ કંદરા સહિત જંગલ વિસ્તારમાં બરફની ચાદર પથરાઈ જતા મીની કાશ્મીર જેવો માહોલ સર્જાયો હતો. જેના કારણે સાપુતારા ફરવા આવેલા પ્રવાસીઓનો આનંદ બેવડાયો હતો. ડાંગ જિલ્લામાં પડેલા માવઠાને પગલે જિલ્લા વહીવટીતંત્ર સાબદુ બની નુકશાનીના અહેવાલ માટે કવાયત હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.