ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ સાથે સાપુતારામાં કરા પડતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જ્યારે જિલ્લાના ખેડૂતોમાં પાકને નુકસાનને લઇ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ડાંગ જિલ્લામાં સતત પાંચ દિવસથી કમોસમી માવઠાએ તાંડવ મચાવતા ખેડૂતોને જંગી નુકસાની થઇ છે. જિલ્લાનાં ગામોમાં સતત પાંચમાં દિવસે કમોસમી વરસાદ પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.
ડાંગ જિલ્લાનાં ગામોમાં ગતરોજ મોડી રાત્રે અને શુક્રવારે સાંજે આશરે 3 થી 4 વાગ્યાનાં અરસામાં ભારે ગાજવીજ અને પવનનાં સૂસવાટા સાથે કમોસમી વરસાદી પડતા જનજીવનમાં અફરાતફરી મચી ગઇ હતી. ગિરિમથક સાપુતારામાં સુસવાટાવાળા ભારે પવન વચ્ચે કરાનો વરસાદ થતાં પ્રવાસીઓનો આનંદ બેવડાયો હતો. પ્રવાસીઓએ કરાનો વરસાદ નિહાળવાનો લાહવો લીધો હતો.
તેમજ ઉનાળામાં પણ ચોમાસુ વરસાદ પડતા પ્રવાસીઓને મજા પડી ગઈ હતી. કરા સાથે વરસાદ પડતા ખેડૂતોનાં શાકભાજી સહિત ફળફળાદી જેવા પાકોને નુકસાન થયું હતું. છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટા બાદ ડાંગ જિલલામાં ખેતી પાકને ભારે નુકસાન થવાના એંધાણ વર્તયા રહ્યા છે. જેથી ખેડૂતોની ચિંતા વધી છે.
વીજળી પડતા ઘાસ બળીને ખાખ
ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના પિપલાઈદેવી પંચાયતના હિદળા ગામે શુક્રવારે ખેડૂતના ઘાસના ઢગલા પર વીજળી પડી હતી. આ વીજળીની અસરથી
ઘાસ બળીને ખાખ થઈ જતા ખેડૂતને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો.
ડાંગમાં રવિપાકનું વાવેતર
વઘઇ : મકાઈ 35 હેક્ટર, ચણા 4990 હેક્ટર, કઠોળ 177 હેક્ટર, શેરડી 155 હેક્ટર, ડુંગળી 51 હેક્ટર, શાકભાજી 2122 હેક્ટર, ઉનાળુ મગ 45 હેક્ટર, ઉનાળુ અડદ 40 હેક્ટર, આહવા: મકાઈ 10 હેક્ટર, ચણા 5250 હેક્ટર, અન્ય કઠોળ 220 હેક્ટર, શેરડી 205 હેક્ટર, ડુંગળી 62 હેક્ટર, શાકભાજી 1310 હેક્ટર, ઉનાળુ મગ 45 હેકટર સુબીર : મકાઈ 12 હેક્ટર, ચણા 5540 હેક્ટર, અન્ય કઠોળ 200 હેક્ટર, શેરડી 89 હેક્ટર, ડુંગળી 39 હેક્ટર, ઉનાળુ મગ 40 હેક્ટર, ઉનાળુ અડદ 20 હેક્ટર.
કેરીના પાકને પણ નુકસાન
ડાંગ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ પડી રહ્યો છે. જેના લીધે ખેડૂતોએ રોપેલા ખાસ કરીને ડુંગળી-લસણ, શાકભાજી, કઠોળમાં ચણા, વટાણા, મસૂરની ખેતીને કમોસમી વરસાદ અને કરાના લીધે ભારે નુકસાન થયું છે. કેરીના પાકને પણ નુકસાન થયું છે. > શિવાભાઇ પવાર, ખેડૂત, સુબીર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.