ગિરિમથક સાપુતારાની તળેટીમાં વસેલું ડાંગ જિલ્લાનું ખૂબસૂરત ગામ એટલે માલેગામ. કાળમીંઢ રાત્રિના અંધકારમાં તમે સાપુતારાની પશ્ચિમ તરફની ખીણમાં નજર કરો, ને જે ઝગમગતા દીવડાઓ, જાણે કે આસમાનના ટમટમતા તારલાઓ નીચે જમીન પર ઉતરી આવ્યા હોય તેવો જે મનમોહક નજારો જોઈએ છીએ, તે આ માલેગામનો છે.
મહિલા સરપંચના વહીવટે અહીં મહિલાઓની વ્યથાને અનુભવીને, અસરકારક મેનેજમેન્ટના સથવારે આખી યોજનાને સફળ બનાવી. જેની નોંધ જિલ્લા મથક આહવા કે પાટનગર ગાંધીનગર જ નહીં, છેક રાજધાની સુધી લેવામાં આવી. એટલું જ નહીં ભારત સરકારના જલશક્તિ મંત્રાલયે માલેગામના મહિલા સરપંચને છેક દિલ્હી સુધી તેડાવીને, 'સ્વચ્છ સુજલ શક્તિ સન્માન-2023' પારિતોષિક પણ મહામહીમ રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં જલશક્તિ મંત્રીના હસ્તે અર્પણ કર્યું.
ત્રણ ફળિયાના આ ખોબા જેવા ગામડા ગામમાં કુલ 330 ઘરો વસેલા છે. જેમને સને 2020/21ની ₹ 21.45 લાખના ખર્ચે તૈયાર કરાયેલી 'નલ સે જલ' યોજનામાં ઘર ઘર નળ જોડાણ મળ્યા, અને સ્થાનિક ગ્રામ પંચાયતની પાણી સમિતિના પાણીદાર નેતૃત્વે, પાણીનું અસરદાર મેનેજમેન્ટ કરીને દરરોજ ત્રણેક કલાક નિયમિત રીતે પાણી આપવાની વ્યવસ્થા પણ સંભાળી.
પાણી અને સ્વચ્છતા દરેક નાગરિકનાં જીવનમાં વિશેષ સ્થાન ધરાવે છે. પરંતુ આ મુદ્દાઓ મહિલાઓને સૌથી વધુ અસર કરે છે. કારણ કે સામાન્ય રીતે મહિલાઓની એ જવાબદારી હોય છે, કે તેઓ તેમનાં ઘર માટે પીવાનાં પાણીની વ્યવસ્થા કરે. ત્યારે એક મહિલા સરપંચના નાતે આપણી એક જવાબદારી થઈ પડે છે, કે એટલીસ્ટ આપણા ગામની મહિલાઓને તો આ મુશ્કેલીમાંથી મુક્તિ મળે. તેમ, માલેગામ ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ તન્મય ઠાકરેએ એક મુલાકાતમાં કહ્યું હતું.
આ પારિતોષિક માટે ગુજરાતભરમાંથી માત્ર બે જ લોકોની પસંદગી થઈ છે, તેમ ઉમેરતા તન્મય ઠાકરેએ કહ્યું કે, ડાંગ જિલ્લા ઉપરાંત કચ્છના SHG ગ્રુપના પ્રતિનિધિ શ્રીમતી રાજીબેન વણકરને ગોબરધન, બાયોડિગ્રેડેબલ વેસ્ટ, અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે આ સન્માન મળવા પામ્યું છે. ત્યારે હમેશા પાણીની અછતનો સામનો કરતા ડાંગ જેવા પ્રદેશની સફળ વ્યવસ્થાની નોંધ, રાજધાનીમાં લેવામાં આવી, તે આપણા સૌના માટે ગૌરવની બાબત છે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ગામડાઓમાં પીવાનું પાણી મેળવવા માટે મહિલાઓને લાંબુ અંતર કાપવું પડતું હતું. પીવાનાં પાણીની વ્યવસ્થા કરવામાં તેમનો ઘણો સમય લાગતો. એટલું જ નહીં, પરંતુ તેમની સલામતી અને સ્વાસ્થ્યને પણ જોખમમાં મૂકતું. સામાન્ય રીતે શાળા-કૉલેજમાં જતી છોકરીઓ પણ, વડીલોની સાથે પાણીની વ્યવસ્થા કરવામાં લાગી જતી હતી. જેનાં કારણે તેમના અભ્યાસમાં અવરોધ ઊભો થતો હતો. આ સમસ્યાઓને દૂર કરવા માટે ભારત સરકારે ખાસ પગલાં લીધાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.