ખેડૂતોને હજુ લાભ નહીં:ડાંગને પ્રાકૃતિક જિલ્લો જાહેર કર્યા બાદ પણ ખેડૂતો હજુ પ્રાકૃતિક ખેતી યોજનાથી વંચિત

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકારે ડાંગ જિલ્લમાં પ્રાકૃત્તિક ખેતી માટે 30 કરોડની માતબર ગ્રાન્ટ મંજૂર કરી છતાં ખેડૂતોને હજુ લાભ નહીં

કુદરતી સૌદર્યથી ભરપૂર એવા ડાંગને પ્રાકૃતિક જિલ્લો જાહેર કર્યા બાદ પણ બાગાયત આત્મા વિભાગ અને જિલ્લા ખેતીવાડીની લાલિયાવાડીને પગલે આદિવાસી ખેડૂતો પ્રાકૃતિક ખેતી યોજનાથી વંચિત રહી જતા યોજના બૂમરેંગ સાબિત થઈ રહી છે. રાજ્યનાં છેવાડાનો જિલ્લો ડાંગમાં ભૌગોલિક ડુંગરાળ પરિસ્થિતિ હોય આદિવાસી ખેડૂતો વર્ષોથી પરંપરાગત ચોમાસુ ખેતી પર નિર્ભર રહેતા આવ્યા છે.

રાજ્યનાં રાજ્યપાલ ડાંગ જિલ્લાની પ્રાકૃતિક રહેણીકરણીથી પ્રભાવિત થઈ ખેડૂતોને ઝેરમુક્ત ખેતી તરફ વાળવા સમગ્ર દેશમાં માત્ર ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો ઘોષિત કર્યો હતો પરંતુ સ્થાનિક આત્મા ખેતી નિયામક અને ખેતીવાડી વિભાગની બેદરકારી નીતિને પગલે જિલ્લાનાં ગરીબ આદિવાસી ખેડૂતોને રાસાયણિક દવાઓ કે યુરિયા ખાતરનાં ઉપયોગથી જમીન અને માનવજીવન પર પડતી વિપરીત અસર અંગે કોઈ સમજ કે માર્ગદર્શન નહીં આપતા જિલ્લામાં રાસાયણિક દવા-ખાતરનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. 2020/21માં પણ રાજ્ય સરકારે ડાંગ જિલ્લાને 100 ટકા ઓર્ગેનિક જિલ્લો જાહેર કર્યા બાદ કરોડોનું આંધણ કરી યોજનાનું બાળ મરણ થતા આદિવાસી ખેડૂતોનો વિકાસ માત્ર કાગનો વાઘ સાબિત થયો હતો.

આ યોજનામાં કૌભાંડ આચર્યા બાદ ડાંગ જિલ્લા આત્મા નિયામકની બદલી કરી શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરાઈ હતી હાલ રાજ્યના રાજ્યપાલે ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક રીતે તૈયાર થતા પાક પર ભાર મૂકી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા પ્રયાસો હાથ ધર્યા છે પરંતુ હજી સુધી ડાંગ જિલ્લાના આદિવાસી ખેડૂતોને યોજનાનો લાભ મળ્યો નથી.

રાજ્ય સરકારે ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી માટે 30 કરોડની માતબર ગ્રાન્ટ મંજૂર કરી સુબીર તાલુકામાં ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે કુબેર કોર્પોરેશન નામની સંસ્થાને કામગીરી સોપાઈ છે પરંતુ અહીં અમલીકરણ આત્મા ખેતીવાડી વિભાગની સુપરવિઝનના અભાવે સંસ્થા દ્વારા ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન કે ખેતીમાં ઉપયોગી પ્રાકૃતિક ખાતર, દવાની જાણકારી નહીં મળતા ખેડૂતો નાછૂટકે વધુમાં વધુ પાક મેળવવા રાસાયણિક દવા અને યુરિયા ખાતરનો ઉપયોગ કરતા સરકારી નીતિનિયમોનો છેદ ઉડી રહ્યો છે.

બીજી તરફ આહવા તાલુકામાં ટ્રુ લાઈફ ઇન્ટરપ્રાઈઝ નામની સંસ્થા રાજકોટની હોય સ્થાનિક કક્ષાએ ખેડૂતોને સંસ્થાએ નિમેલા એપીઓ પાસે કોઈપણ ટેકનિકલ જ્ઞાન નહીં હોય માત્ર યોજના પૂર્ણ કરવા કામગીરી કરાતી હોવાની ખેડૂત વર્ગ ફરિયાદ કરી રહ્યો છે. ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની સમીક્ષા માટે રાજ્યપાલ મુલાકાતે આવતા હોય ડાંગ જિલ્લામાં આત્મા ખેતી િવભાગ અને ખેતીવાડી િવભાગમાં ચાલતી ગેરરીતિની તપાસ કરાવી ગરીબ ખેડૂતોને પગભર બનાવવા કાર્યવાહી હાથ ધરે તે જરૂરી છે.

જવાબદાર સંસ્થા કામગીરીમાં નિષ્ફળ
ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સંસ્થાના એપીઓ દ્વારા ખેડૂત મંડળ બનાવી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માહિતગાર કરવાનું હોય છે. સાથોસાથ ખેડૂતોને પ્રેરણા પ્રવાસ, માર્ગદર્શન શિબિર સહિત પ્રાકૃતિક ખાતર, જંતુનાશક દવાઓ બનાવવાની તાલીમ આપવાની હોય છે પરંતુ માત્ર આહવા અને સુબીર તાલુકામાં કાર્યરત બન્ને સંસ્થા દ્વારા ડાંગ જિલ્લાના ગરીબ આદિવાસી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા નિષ્ફળ નીવડ્યા હોવાનું જણાય રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...