બેઠક:વિકાસ કાર્યો અને યોજનાના અમલીકરણમાં ઢીલ કે કચાશ ચલાવી નહીં લેવાઇ : પ્રભારી મંત્રી

આહવા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રીએ જિલ્લા અધિકારીઓ સાથે યોજી પ્રથમ સમીક્ષા બેઠક

ડાંગ જેવા છેવાડાના જિલ્લાના વિકાસ કામોના ખાતમુહૂર્ત/લોકાર્પણન ા કાર્યો અને યોજનાકીય લાભોના વિતરણ વેળા સ્થાનિક પદાધિકારીઓની ઉપસ્થિતિ સુનિશ્ચિત કરવાની સૂચના આપતા ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઇ હળપતિએ વિકાસ કાર્યો અને યોજનાકીય લાભોના વિતરણમાં અમલીકરણ અધિકારીઓની કોઈ પણ પ્રકારની ઢીલ કે કચાશ કોઈપણ સંજોગે ચલાવી લેવાશે નહીં તેમ સ્પષ્ટપણે જણાવ્યું હતું.

ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકેની નિયુક્તિ બાદ જિલ્લા અધિકારીઓની પ્રથમ બેઠકને સંબોધતા કુંવરજીભાઈ હળપતિએ જે તે વિભાગને ફાળવાયેલી ગ્રાન્ટ સમયસર પૂર્ણ કરી જરૂરી વહીવટી અને તાંત્રિક મંજૂરીઓ પણ સમયસર મેળવી લેવાની તાકિદ કરી હતી. જિલ્લા સેવા સદનમાં આયોજિત બેઠકમા મંત્રીએ પ્રજા કલ્યાણના કાર્યો ખોટી રીતે વહીવટી પ્રક્રિયામાં નહીં અવરોધાય તેની તકેદારી દાખવવા પણ અપીલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મહાત્વાકાંક્ષા અનુસાર છેવાડાના માનવીઓના સર્વાંગીણ વિકાસના કાર્યો, યોજનાનો લાભ સમયસર સંબંધિતોને મળે તે અનિવાર્ય છે તેમ જણાવતા પ્રભારી મંત્રીએ પ્રજા કલ્યાણનું હિત હૈયે રાખવાની પણ સૌ અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી.

દરમિયાન ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે જિલ્લાના સાર્વજનિક વિકાસકામો અને યોજનાના લાભો મંજૂર કરવામાં અને તેના ખાતમુહૂર્ત/લોકાર્પણ સહિત વિતરણના કાર્યોમા પદાધિકારીઓની હાજરી અનિવાર્ય છે તેમ જણાવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિતે ચર્ચામા ભાગ લેતા અમલીકરણ અધિકારીઓને યોજનાકીય લાભોની પસંદગી પ્રક્રિયા સહિતના પ્રજા કલ્યાણના કાર્યો, ચૂંટાયેલી પાંખના પદાધિકારીઓ, હોદ્દેદારો સાથે સંકલનમા રહીને હાથ ધરવાની હિમાયત કરી હતી.

બેઠક દરમિયાન મંત્રીએ આદિજાતિ વિકાસ વિભાગ, ગ્રામ વિકાસ, શ્રમ અને રોજગાર, આયોજન મંડળ, એટીવીટી, પાણી પુરવઠા, વાસ્મો, શિક્ષણ, આરોગ્ય, વીજ, માર્ગ મકાન, પશુ પાલન, કાયદો વ્યવસ્થા અને આર.ટી.ઓ સહિત કોવિડ સંબંધિત સુવિધાઓની ઝીણવટભરી સમીક્ષા હાથ ધરી હતી. બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જિલ્લા વહીવટી તંત્ર વતી પ્રભારી મંત્રીનું સ્વાગત કરી જિલ્લાના વિકાસ કાર્યો-યોજનાથી તેમને અવગત કરાવ્યા હતા. કલેક્ટરે મંત્રીની અપેક્ષાઓ મુજબ જિલ્લાના કાર્યો સમય મર્યાદામા પૂર્ણ થાય તેવી જિલ્લા પ્રશાસન વતી ખાતરી પણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...