દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આદિવાસી સમાજનાં ધર્મ પરિવર્તન થયેલા લોકોને આદિવાસી અનામતનો લાભ નહીં આપવા છેડાયેલા જંગ સામે દક્ષિણ ગુજરાતનાં ખ્રિસ્તી સમાજનાં આગેવાનોએ મુખ્યમંત્રી સહિત પ્રદેશ અધ્યક્ષને રૂબરૂ રજૂઆત કર્યા બાદ વિવાદનો અંત આવ્યો છે. મળતી માહિતી મુજબ કેટલાક સમયથી હિન્દુવાદી સંગઠનો દ્વારા દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજનાં ધર્મ પરિવર્તન કરેલા લોકોને આદિવાસી અનામતનાં લાભો નહીં આપવા પ્રચાર કરતા ડિલિસ્ટીંગના કાર્યક્રમોની સભા યોજી ભાગલા પાડવાની કોશિશ બાદ દક્ષિણ ગુજરાતનાં ખ્રિસ્તી આગેવાનો દ્વારા તા 6 જૂને વિશાળ રેલી યોજવાનું આહવાન કરાયું હતું.
બાદમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની દરમિયાનગિરી બાદ ખ્રિસ્તી સમાજને ડિલિસ્ટીંગને પગલે કોઈપણ પ્રકારનો ભય નહીં રાખવા તથા આવો કોઈપણ પરિપત્ર રાજ્ય સરકારે બહાર પાડ્યો નહીં હોય ભાજપ સરકાર સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર સાથે કોઈપણ સમાજને અન્યાય નહીં થવા દેવાની ખાતરી આપી છે. દક્ષિણ ગુજરાતનાં ખ્રિસ્તી સમાજે આપેલ રેલીની ઘોષણાને સમેટવાનો નિર્ણય સમાજના આગેવાનો દ્વારા લેવાયો હતો.
આજે ભાજપમાં ખ્રિસ્તી નેતાઓને પણ સમાન ગણવામાં આવે છે તેમજ તેમને પણ પાર્ટીમાં આગવું સ્થાન આપવામાં આવ્યું છે ત્યારે ડિલિસ્ટીંગ દ્વારા આદિવાસી સમાજને ભાગલા પાડવાની રાજનીતિને તમામે વખોડી કાઢી હતી. હાલ કોંગ્રેસ દ્વારા આદિવાસી વિસ્તારમાં મહાકાય ડેમ, હાઇવે કોરિડોર, સફારી પાર્ક જેવા મુદ્દાને લઈ ભાજપ સરકારને ઘેરવાના પ્રયાસો કરી રહી છે, તેવા સંજોગોમાં ધર્માંતરણ થયેલ આદિવાસીઓને અનામતનો લાભ કાઢી નાંખવા હિન્દુવાદી સંગઠનો દ્વારા ડિલિસ્ટીંગનો પ્રચાર હાથ ધરતા બન્ને ધર્મના લોકોમાં વૈમનસ્ય ઉભુ થયું હતું.
જોકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા,અશોકભાઇ ધોરજીયા સહિતના મહાનુભાવો દ્વારા ખ્રિસ્તી સમાજને ડિલિસ્ટીંગ બાબતે કોઈ અન્યાય નહીં થાય તે પ્રકારનું અભયવચન આપતા દ. ગુજરાતના ખ્રિસ્તી સમાજે સરકાર સામે વિરોધ કરવા કરેલા આહવાનને સ્થગિત કરવાનો નિર્ણય કરતા મામલો થાળે પડ્યો છે. આ બેઠકમાં અખિલ ગુજરાત ખ્રિસ્તી સમાજના પ્રમુખ હરીશભાઈ ગામીત, રામજીભાઈ પટેલ, રમેશભાઈ ગામીત, ડાંગ જિલ્લાનાં રાજેશભાઈ ગામીત, મોહન કોંકણી, નીતિન ગામીત, જયરામ ગામીત, સુરેશભાઈ સહિત ખ્રિસ્તી સમાજના પ્રતિનિધિ મંડળે રજૂઆત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.